News of Wednesday, 11th February 2026
સુરત જિલ્લામાં ૨૬ ફેબ્રુઆરીથી શરૃ થતી બોર્ડ પરીક્ષા માટે ૧,૬૧,૦૨૦ વિદ્યાર્થીઓ નોંધાયા
બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે ખાસ આયોજનઃપરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો અને વર્ગખંડોને ઝ્રઝ્ર્ફ કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે

સુરત : આગામી ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૬થી સમગ્ર ગુજરાતમાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ વર્ષે પણ સુરત જિલ્લો રાજ્યમાં સૌથી વધુ પરીક્ષાર્થીઓ નોંધાવનારો જિલ્લો બન્યો છે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) ભગીરથસિંહ પરમારના જણાવ્યા અનુસાર, પરીક્ષાના સુચારૃ સંચાલન માટે તમામ વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
સુરત જિલ્લામાં આ વર્ષે કુલ ૧,૬૧,૦૨૦ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે, જેના માટે ૫૬૫૩ બ્લોક્સ તૈયાર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની સંખ્યાની વાત કરવામાં આવે, તો ધોરણ ૧૦માં ૯૨,૨૨૮ વિદ્યાર્થીઓ તેમજ ધોરણ ૧૨ (સામાન્ય પ્રવાહ)માં ૫૧,૬૦૦ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ)માં ૧૭,૧૪૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે તૈયાર છે.
પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો અને વર્ગખંડોને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓની વિશેષ નિમણૂક કરવામાં આવી છે, જેઓ પરીક્ષા સમયે કેન્દ્ર પર હાજર રહી પારદર્શિતા જાળવશે.
સુરત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ગત ૨ ફેબ્રુઆરીના રોજ મળેલી સમિતિની બેઠકમાં તમામ વિભાગોને સંકલન કરવા સૂચના આ છે. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલી ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન પણ કરવામાં આવશે. સુરત DEOએ ખાતરી આપી છે કે, વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની અગવડતા ન પડે તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે.
સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે જણાવ્યું હતું કે, ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૬થી બોર્ડની પરીક્ષાની શરૃઆત થવા જઈ રહી છે. આ માટે સુરત જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. સુરત કલેક્ટર આ સમિતિના અધ્યક્ષ છે. તેમની અધ્યક્ષતામાં ૨ ફેબ્રુઆરીના રોજ મિંટિગ યોજાઈ હતી. તમામ વિભાગોને જરૃરી સુચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને કોઈ જાતની અગવડ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
