<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

ગુજરાતમાં જર્મન ટેકનોલોજીનો વ્યાપ વધ્યો: સાણંદમાં એસ.એમ.એસ. ગ્રુપનો નવો પ્લાન્ટ કાર્યરત

જર્મનીની નામાંકિત એસ.એમ.એસ. ગ્રુપ દ્વારા ગુજરાતના સાણંદ ખાતે રોલિંગ મિલ્સ અને ફોર્જિંગ સિસ્ટમ્સ માટેના અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ એકમ ગુજરાતના હેવી એન્જિનિયરિંગ ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

 

ગુજરાત ભારતના મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી રહ્યું છે, જેમાં હવે જર્મન એન્જિનિયરિંગનો ઉમેરો થયો છે. જર્મનીના અગ્રણી ઔદ્યોગિક જૂથ એસ.એમ.એસ. ગ્રુપે અમદાવાદ નજીક સાણંદમાં તેમના નવા ઉત્પાદન એકમની શરૂઆત કરી છે. આ પ્લાન્ટ ખાસ કરીને મેટલ ઉદ્યોગ માટે રોલિંગ મિલ્સ અને ફોર્જિંગ સિસ્ટમ્સ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. 

 

આ પ્રોજેક્ટ માટે ફેબ્રુઆરી ૨૦૨૩ માં જર્મન કંપની અને ગુજરાત સરકાર વચ્ચે એમ.ઓ.યુ. (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

કંપનીએ આ અત્યાધુનિક સુવિધા સ્થાપવા માટે આશરે ૪૫૦ કરોડ રૂપિયાનું જંગી રોકાણ કર્યું છે. આ પ્લાન્ટના કારણે સ્થાનિક સ્તરે રોજગારીની મોટી તકોનું સર્જન થશે. અંદાજિત ૫૦૦ જેટલા કુશળ ઇજનેરો અને ટેકનિશિયનોને અહીં સીધી રોજગારી મળવાની સંભાવના છે. આ યુનિટ માત્ર ભારતની સ્થાનિક માંગને જ નહીં, પરંતુ વૈશ્વિક નિકાસની જરૂરિયાતોને પણ પૂરી કરશે.

 

આ પ્લાન્ટ શરૂ થવાથી ગુજરાતની હેવી એન્જિનિયરિંગ ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે. મેટલ અને સ્ટીલ ઉદ્યોગમાં વપરાતી જટિલ મશીનરી હવે સ્થાનિક સ્તરે જર્મન ગુણવત્તા સાથે ઉપલબ્ધ થશે, જે 'મેક ઇન ઇન્ડીયા' પહેલને પણ વેગ આપશે. સાણંદ જી.આઈ.ડી.સી. પહેલેથી જ ઓટોમોબાઈલ હબ તરીકે જાણીતું છે, ત્યારે આ નવા રોકાણથી તે એન્જિનિયરિંગ હબ તરીકે પણ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે.

 

(9:45 AM IST)