તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th February 2026
પોલીસ પોતાની મરજી મુજબ મિલકત જપ્ત કરીને બેસી રહી શકે નહીં
સાયબર પોલીસે ફ્રીઝ કરેલા ખાતાની જાણ ન કરતા હાઈકોર્ટે ઉધડો લીધો : ફરિયાદ વિના જ પોલીસે ખાતાં ફ્રીઝ કર્યા, અરજદારને રકમ પરત કરવા આદેશ

અમદાવાદ,તા.૧૨: સાઇબર ફોડના કિસ્સામાં આરોપીઓના બેંક ખાતા ફીઝ કર્યા બાદ તેની જાણ કોર્ટને ન કરવાની પોલીસની કાર્યપદ્ધતિ સામે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.વી. પટેલે નારાજગી વ્યક્ત કરી છે. કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરનારા તપાસનીશ અધિકારીઓનો ઉધડો લેતા કોર્ટે સ્પષ્ટ કર્યું કે, પોલીસ પોતાની મરજી મુજબ મિલકત જપ્ત કરીને બેસી રહી શકે નહીં.
શહેરમાં સાઈબર ક્રાઈમના કેસોમાં પોલીસ દ્વારા શંકાસ્પદ ખાતાઓ ફ્રીઝ કરવામાં આવે છે, પરંતુ તેની વિગતો સંબંધિત મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવતી નથી. આ મામલે કોર્ટે ગંભીર નોંધ લીધી કે BNSS એક્ટની કલમ-૫૦૩ મુજબ, કોઈપણ મિલકત જપ્તીની જાણ તુરંત કોર્ટને કરવી આદેશાત્મક છે. જો પોલીસ રિપોર્ટ ન કરે, તો ટ્રાયલ દરમિયાન તે મિલકત હકદાર વ્યક્તિને સોંપવાના કોર્ટના અધિકારમાં અવરોધ ઊભો થાય છે. આ કેસમાં ચોંકાવનારી વિગત એ હતી કે પોલીસે ફરિયાદીની ફરિયાદ સુદ્ધાં નોંધી નહોતી અને ખાતા ફીઝ કરી દીધા હતા. કોર્ટે ટકોર કરી કે કલમ-૧૦૬(૩) મુજબ, તપાસ માટે મિલકત કસ્ટડીમાં રાખવાની મંજૂરી ન આપી શકાય તેવા સંજોગોમાં પોલીસ બોન્ડ લઈને કસ્ટડી સોંપી શકે છે. અંતે, પોલીસની ઉદાસીનતા સામે નારાજગી વ્યક્ત કરી કોર્ટે અરજદારને ફીઝ થયેલી રકમ પરત કરવાનો આદેશ કર્યો છે. (૪૦.૧૨)
ફ્રીઝ કરાયેલા ખાતાં અંગે મેજિસ્ટ્રેટને રિપોર્ટ આપવો ફરજિયાત
કોર્ટે અવલોકન કર્યુ કે, તપાસનીશ અધિકારી માટે મિલકત જપ્તી કે ફ્રીઝ કરાયેલા ખાતા અંગે તાત્કાલિક મેજિસ્ટ્રેટને રિપોર્ટ કરવો ફરજિયાત છે. આમ છતાં, સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ પ્રક્રિયાનું પાલન ન થતા કાયદાકીય શુન્યાવકાશ સર્જાય છે. કોર્ટે લાલ આંખ કરતા કહ્યું કે, પોલીસની આવી બેદરકારીને કારણે અરજદારોને પોતાની જ રકમ મેળવવા માટે લાંબી કાનૂની લડત લડવી પડે છે. જે ન્યાયિક પ્રક્રિયામાં વિલંબ કરે છે.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
