તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 12th February 2026
અમૂલે લોન્ચ કરી ‘સરલાબેન': હવે પશુપાલકોને ૨૪ કલાક મળશે AIની મદદ
‘સરલાબેન' ગુજરાતના હજારો ગામડાઓમાં પશુપાલકોને હવે કોઈપણ સમયે મદદ કરવા હાજર રહેશે. સરલાબેન કોઈ પડોશી કે પશુચિકિત્સક નહીં પરંતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત એક ડિજિટલ આસિસ્ટન્ટ છે

આણંદ,તા.૧૨: દેશમાં ટેકનોલોજીનો ઉપયોગ સતત વધી રહ્યો છે. ખેતીથી લઈ તમામ જગ્યાએ ટેકનોલોજીનો વ્યાપ વધ્યો છે. અમૂલ દ્વારા AI લોન્ચ કરવામાં આવશે. રાજ્યના સહકારી ક્ષેત્રમાં મોટું પગલું માનવામાં આવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા મહિલા દૂધ ઉત્પાદકોને પશુપાલન અને ડેરી ફાર્મિગ અંગે ૨૪ કલાક માર્ગદર્શન આપી સશક્ત બનાવવાનો આ પ્રયાસ છે. જે મુજબ ‘સરલાબેન' ગુજરાતના હજારો ગામડાઓમાં પશુપાલકોને હવે કોઈપણ સમયે મદદ કરવા હાજર રહેશે. સરલાબેન કોઈ પડોશી કે પશુચિકિત્સક નહીં પરંતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત એક ડિજિટલ આસિસ્ટન્ટ છે.
અમૂલ ખ્ત્ દ્વારા ગુજરાતના ૧૮,૫૦૦ થી વધુ ગામડાઓમાં ફેલાયેલા ૩૬ લાખથી વધુ દૂધ ઉત્પાદકોને મદદ મળવાની અપેક્ષા છે, જેમાં મોટાભાગની મહિલાઓ છે. આ પશુપાલકો દરરોજ ૩૫૦ લાખ લિટરથી વધુ દૂધ સપ્લાય કરે છે, જે સહકારી માળખાનો મુખ્ય આધાર છે. આ AI પ્લેટફોર્મ દેશના સૌથી મોટા સહકારી IT ઇકોસિસ્ટમ પર બનાવવામાં આવ્યું છે. અમૂલનું ડિજિટલ નેટવર્ક દર વર્ષે ૨૦૦ કરોડથી વધુ દૂધ ખરીદીના વ્યવહારો, ૧,૨૦૦ થી વધુ ડોકટરો દ્વારા કરવામાં આવતી લાખો પશુઓની સારવારના રેકોર્ડ અને દર વર્ષે થતા આશરે ૭૦ લાખ કૃત્રિમ ગર્ભાધાનના ડેટાનું સંચાલન કરે છે.
આ સિસ્ટમમાં ISRO ના સેટેલાઇટ ઈમેજરી દ્વારા મેળવેલ ઘાસચારો ઉત્પાદનનો ડેટા અને દર પાંચ વર્ષે થતી પશુ ગણતરીની વિગતોનો પણ સમાવેશ થાય છે. છેલ્લા પાંચ દાયકાથી એકત્રિત થયેલો આ વિશાળ અને પ્રમાણિત ડેટા ‘અમૂલ AI' નો પાયો છે, જેના કારણે તે પશુપાલકોને સચોટ અને વ્યક્તિગત જવાબો આપી શકશે.
અમૂલની ઓટોમેટિક મિલ્ક કલેક્શન સિસ્ટમ અને ‘પશુધન' એપ્લિકેશન સાથે સંકલિત થઈને, ‘સરલાબેન' પશુઓના સ્વાસ્થ્ય, રસીકરણના સમયપત્રક, સારવાર, આહાર અને સંવર્ધન પદ્ધતિઓ પર માર્ગદર્શન આપશે. આ ઉપરાંત, તે પશુપાલકોને લગતી સરકારી યોજનાઓ અને સબસિડી વિશે પણ માહિતી આપશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમૂલ AI નો હેતુ પશુપાલકો સુધી ભરોસાપાત્ર અને પ્રમાણિત માહિતી તેમની જ ભાષામાં તુરંત પહોંચાડવાનો છે. દાયકાઓન. ડેટાનો ઉપયોગ કરીને આ પ્લેટફોર્મ પશુપાલકોને પશુઓની ઉત્પાદકતા અને આવક વધારવા માટે સમયસર નિર્ણય લેવામાં મદદ કરશે.
પશુપાલકો ‘અમૂલ ફાર્મર' મોબાઈલ એપ્લિકેશન દ્વારા અમૂલ AI નો ઉપયોગ કરી શકશે, જેને અત્યાર સુધીમાં ૧૦ લાખથી વધુ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. આ સિવાય ફીચર ફોન કે લેન્ડલાઇનનો ઉપયોગ કરતા લોકો વોઈસ કોલ દ્વારા પણ આ સેવાનો લાભ લઈ શકશે. આ સંવાદ માટે ગુજરાતી મુખ્ય ભાષા રહેશે.(૪૦.૧૮)
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
