News of Friday, 13th February 2026
રાજ્યમાં આવનાર ગ્રીન સ્ટીમ પ્રોજેક્ટને કયા કારણોસર જમીન નથી ફાળવાતી ?

ગાંધીનગર તા.૧૩ રાજ્યમાં દિવસે દિવસે પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ૧૦૦૦ કરોડના ખર્ચે ગુજરાતમાં ગ્રીન સ્ટીમ પ્રોજેક્ટ લાવનાર એક કંપનીને દહેજ જી.આઇ.ડી.સી.માં જમીન ફાળવવામાં ન આવતી હોય આ પ્રોજેક્ટ હાલ ટલ્લે ચડ્યો છે.
જી.પી.સી.બી.ના આંતરિક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મૂળ ગુજરાતી અને હાલ બીજા રાજ્યમાં કાર્યરત એક મોટી કંપની દ્વારા પોતાના વતનમાં જ ગ્રીન સ્ટીમ પ્રોજેક્ટ સ્થપાય તે માટે દહેજ જી.આઇ.ડી.સી.ખાતે એક લાખ ચોરસ મીટર પ્લોટની માગણી કરવામાં આવી છે અને ત્યાં આ કંપની અંદાજે ૧૦૦૦ કરોડના ખર્ચે ગ્રીન સ્ટીમ પ્રોજેક્ટ લાવવા મથી રહી છે ત્યારે દહેજ જી.આઇ.ડી.સી.ના અધિકારીઓ કોઈ કારણોસર છેલ્લા ચાર મહિના થયા આ કંપનીને પ્લોટની ફાળવણી નથી કરી રહી.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જમીન માટે કંપની દ્વારા ૭ કરોડ જેવી રકમ ડીપોઝીટ પેટે જમા પણ કરાવી દીધી હોવા છતાં કંપનીને જમીનની ફાળવણી નથી થતી.
જો દહેજ ખાતે આ ગ્રીન સ્ટીમ પ્રોજેક્ટ ચાલુ થઈ જાય તો પ્રતિ કલાક કંપનીમા ૧૨૦ ટન સ્વચ્છ ગ્રીન સ્ટીમનો પુરવઠો પ્રાપ્ત થશે જેનાથી દર વર્ષે ૫ લાખ ટનથી વધુ કાર્બન ડાયોક્સાઇડમાં ઘટાડો થશે.
ઉપરાંત આ પ્રોજેક્ટ થી જરૂરિયાતવાળા ઉદ્યોગોને પાઇપ લાઇન દ્વારા સ્ટીમનો પુરવઠો અપાશે જે ભારત દેશમાં પ્રથમ પ્રોજેક્ટ બની રહેશે આમ તો ભારતમાં ગ્રીન સ્ટીમ ઉત્પાદિત કરતા અમુક યુનિટો ચાલુ છે પરંતુ એ કચરાને બાળીને સ્ટીમ ઉત્પાદિત કરે છે જ્યારે આ પ્રોજેક્ટમાં વેસ્ટ રિકવરી બોઇલર ચાલશે જેમાં કંપની દ્વારા કરવામાં આવતી ઉત્પાદન પ્રક્રિયામાંથી બહાર આવતી ગરમી કેપ્ચર કરી આ ગરમીનો ઉપયોગ પછી સ્ટીમ બનાવવા માટે થશે.
જી.પી.સી.બી.ના એક જાણકાર અધિકારીના જણાવ્યા મુજબ જો આ પ્રોજેક્ટ ચાલુ થાય તો અંદાજે એક કરોડ મેટ્રિક ટન કોલસો બચશે અને રોજના એક લાખ ગાડીના ધુમાડા જેટલું પ્રદુષણ ઓછું થશે.
આ પ્રોજેક્ટથી બોઇલરના ફાટવાથી થતા ગરીબ મજૂરના મોતમાં પણ ઘટાડો થશે આ પ્રોજેક્ટથી આજુબાજુના અંદાજે ૮ થી ૧૦ કિલોમીટરના એરિયા સુધી પાઈપ લાઈન દ્વારા ગ્રીન સ્ટીમની સગવડતા પૂરી પાડવામાં આવશે જેના લીધે જરૂરિયાતવાળા ઉદ્યોગોમાં બોઇલર મુકવાની જરૂરિયાત પણ નહીં રહે જેનાથી દહેજ આજુબાજુના ૧૦ કિલો મીટર જેટલા વિસ્તારમાં વપરાતી વીજળી અને લાકડાનો વપરાશ નહિવત થઈ જશે.
મળતી માહિતી મુજબ બીજા રાજ્યો દ્વારા આ કંપની પોતાના રાજ્યમાં આવે એ માટે લાલ જાજમ પાથરવામાં આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આવી કંપનીઓને પ્રોત્સાહન આપી ઝડપથી ઊભી થાય તેવા પ્રયાસો હાથ ધરી પ્રદૂષણમાં ઘટાડો કરવા યોગ્ય પગલા ભરવા જોઈએ.
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
