<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

સરપંચ એટલે ગામડાના મુખ્‍યમંત્રી, ગામના વિકાસની એની જવાબદારીઃ ઋષિકેશ પટેલ

જીલ્લા પંચાયત દ્વારા પંચાયતના સુકાનીઓનું સ્‍નેહમિલન અને તાલીમ ગાંધીનગર જીલ્લા પંચાયત આયોજીત સરપંચ સ્‍નેહમિલન અને તાલીમ પ્રસંગે પંચાયત મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

 

ગાંધીનગર તા.૧૩: પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ, ઉર્જા અને પેટ્રોલ કેમિકલ્‍સ વિભાગના મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલની અધ્‍યક્ષતામાં ગાંધીનગર ટાઉનહોલ ખાતે જિલ્‍લા પંચાયત,ગાંધીનગર આયોજિત પંચાયતના પદાધિકારીશ્રીઓનો સ્‍નેહમિલન અને તાલીમ શિબિર કાર્યક્રમ યોજાયો હતો.

સમારોહમાં મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે આ તાલીમ કાર્યક્રમ દ્વારા ગાંધીનગર જિલ્‍લા પંચાયતને અનોખી ભાત પાડવા બદલ અભિનંદન પાઠવી જણાવ્‍યું હતું કે, મહાત્‍મા ગાંધીજીએ કહ્યું હતું કે ભારતનો આત્‍મા ગામડાઓમાં વસે છે. ઋષિકાળ અને વેદકાળથી ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પંચ, પટેલ કે ગામની સમિતિઓ સ્‍થાપિત થયેલી હતી. આજે આ સમિતિઓને બંધારણીય દરજ્‍જો પ્રાપ્ત છે. ૨૮૬ ગામના સરપંચશ્રીઓ જ્‍યારે એકઠા થયા છે ત્‍યારે બંધારણીય દરજ્‍જા સાથે તમામ સરપંચોની બંધારણીય જવાબદારીઓ પણ મહત્‍વપૂર્ણ છે.

સરપંચ એ ગામડાનો મુખ્‍યમંત્રી જ છે તેમ જણાવી મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગ્રામ્‍ય વિસ્‍તારમાં વિકાસ માટે સરપંચોએ નિયમોની જાણકારી સાથે વહીવટી જ્ઞાનનું માર્ગદર્શન પણ મેળવવું જોઈએ. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પાણી, વીજળી,  રસ્‍તા જેવી મહત્‍વની સુવિધાઓ પહોંચાડી છે પરંતુ ગામના તમામ લોકો સુધી સર્વાંગી વિકાસ પહોંચાડવાની જવાબદારી સરપંચના શિરે છે. ગામના વિકાસ માટે ગ્રામ સભામાં વધુને વધુ લોકો સામેલ થાય તે માટે પ્રચાર કરી ગ્રામજનોની સામેલગીરી સુનિヘતિ કરવી જોઈએ.

કાર્યક્રમમાં જિલ્‍લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્‍પાબેન પટેલે કાર્યક્રમને વિકાસના સંકલ્‍પ સમાન જણાવી કહ્યું હતું કે, આ કાર્યક્રમથી ગાંધીનગર જિલ્‍લો વધુ મજબૂત બનશે.

આ પ્રસંગે જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી બી.જે પટેલે પ્રધાનમંત્રીશ્રીના ગ્રામ આત્‍મનિર્ભરતા થકી રાષ્ટ્ર સ્‍વનિર્ભરતાના વિઝનને ગાંધીનગર જિલ્‍લામાં સાકાર કરવામાં આ તાલીમ મહત્‍વપૂર્ણ બની રહેશે તેમ જણાવ્‍યું હતું.

ભુજ તાલુકાના કુનરીયા ગામના ઉપસરપંચશ્રી દ્વારા પંચાયત ધારાની સમજ તથા અસરકારક ગ્રામ પંચાયત વિકાસનું આયોજન કઇ રીતે બનાવવું તે વિગતે સમજ આપવામાં આવી હતી. ત્‍યારબાદ ગાંધીનગર જિલ્‍લાની અડાલજ ગ્રામ પંચાયતના સદસ્‍યશ્રી દ્વારા અડાલજ ગામમાં લીધેલી નવી પહેલો વિશે અને ગાંધીનગર જિલ્‍લાના રંગપુર ગામના સરપંચશ્રી દ્વારા તેઓશ્રીના ગ્રામ્‍ય કક્ષાએ આગામી આયોજન વિષય પર પ્રેઝન્‍ટેશન સહિત વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ડેપ્‍યુટી પ્રોજેક્‍ટ મેનેજરશ્રી ભરતભાઇ ભોગાયતા દ્વારા પ્રાકૃતિક કૃષિ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી તેમજ જિલ્‍લા ક્ષય અધિકારી શ્રી દિપક પટેલ દ્વારા આરોગ્‍યને લગત પ્રેઝન્‍ટેશન રજુ કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્‍ય સર્વ શ્રી રીટાબેન પટેલ, શ્રી જે.એસ પટેલ, શ્રી લક્ષ્મણજી ઠાકોર, અગ્રણી શ્રી અનિલભાઈ પટેલ, વિકાસ કમિશનર શ્રી હિતેશ કોયા, કલેક્‍ટર શ્રી મેહુલ દવે તથા સર્વે તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, સદસ્‍યો અને વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, બહોળી સંખ્‍યામાં સરપંચશ્રીઓ અને અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.(

(4:17 PM IST)