તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th February 2026
આદિજાતિ વિસ્તારના ૧૧ જિલ્લાના ૨૫૮ ગામોને ‘મરામત-નિભાવણી પ્રોત્સાહન પુરસ્કાર યોજના’હેઠળ રૂ. ૫ કરોડથી વધુની રકમ અપાઈ : આ યોજના હેઠળ ૭૦થી વધુ ગુણ મેળવનાર ગ્રામ પંચાયતને રૂ. ૨ લાખનું પ્રોત્સાહક ઇનામ :પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશભરમાં નળ દ્વારા ઘર ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા ‘જલ જીવન મિશન યોજના’ શરૂ કરવામાં આવી છે રાજ્યમાં ‘મરામત-નિભાવણી પ્રોત્સાહન અને પુરસ્કાર યોજના’ કાર્યરત

અમદાવાદ તા.૧૩
રાજયમાં આદિજાતિ સહિત છેવાડાના ગ્રામીણ વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ‘જલ જીવન’ મિશન હેઠળ પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ મિશનનો વધુને વધુ ખાસ કરીને આદિજાતિના ગામોને લાભ મળે તે હેતુથી મરામત, નિભાવણી પ્રોત્સાહન અને પુરસ્કાર યોજના અમલી બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યના આદિજાતિ વિસ્તારના ૧૧ જિલ્લાઓમાં પાણી પુરવઠા યોજનાનું સંચાલન અને મરામત નિભાવણી સારી રીતે કરતી ૨૫૮ ગ્રામ પંચાયતને એપ્રિલ-૨૦૨૫ થી જાન્યુઆરી-૨૦૨૬ સુધીમાં રૂ. ૫.૧૬ કરોડની રકમ પ્રોત્સાહન સ્વરૂપે આપીને પુરસ્કૃત કરવામાં આવી છે તેમ, પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું.
પાણી પુરવઠા મંત્રીશ્રી પટેલે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશભરમાં નળ દ્વારા ઘર ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા ‘જલ જીવન મિશન યોજના’ શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં ‘મરામત-નિભાવણી પ્રોત્સાહન અને પુરસ્કાર યોજના’ હેઠળ ૧૧ જિલ્લાઓમાં સૌથી વધુ સાબરકાંઠામાં ૫૭ ગામ, જ્યારે તાપીમાં ૫૨, ભરૂચમાં ૨૭, સુરતમાં ૨૫, નવસારીમાં ૨૪, વલસાડમાં ૨૦, બનાસકાંઠામાં ૧૭, ડાંગમાં ૧૬, અરવલ્લીમાં ૧૫, દાહોદમાં ૩ તેમજ પંચમહાલ જિલ્લામાં ૨ એમ કુલ ૨૫૮ ગામોનો સમાવેશ થાય છે.
મંત્રી શ્રી ઈશ્વરસિંહે યોજના વિશે કહ્યું હતું કે, આ ગ્રામીણ કક્ષાની આંતરિક પેયજળ પુરવઠા યોજનાઓનું અમલીકરણ ગ્રામ પંચાયત વતી પાણી સમિતિ દ્વારા કરવામાં આવે છે. પાણી પુરવઠા હસ્તકના વાસ્મો દ્વારા ‘જલ જીવન મિશન’ અંતર્ગત ગ્રામ્ય પેયજળ યોજના હેઠળ આદિજાતિ વિસ્તારમાં નળ જોડાણની કામગીરી કરવામાં આવી છે. આ યોજનાનું સંચાલન, મરામત અને નિભાવણી યોગ્ય રીતે થાય તે
જરૂરી છે.
પીવાના પાણીની મળતી ફરિયાદોને ધ્યાને લઇ, આદિજાતિ વિસ્તારની ગ્રામીણકક્ષાની આંતરિક પાણી પુરવઠા યોજનાની મરામત અને નિભાવણી અંગે ગ્રામ પંચાયતમાં માલિકીપણાનો ભાવ ઉભો થાય તે જરૂરી છે. આ સાથે ફરિયાદોનું પ્રમાણ ઘટે અને પેયજળ યોજનાઓનું યોગ્ય સંચાલન થાય તે હેતુથી આદિજાતિ વિસ્તારના કુલ ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાના ગામો માટે “મરામત અને નિભાવણી પ્રોત્સાહન અને પુરસ્કાર યોજના”ને અમલી બનાવી છે. જે અંતર્ગત નિયત માપદંડના આધારે ૧૧ જિલ્લાના ગામોને આ યોજના હેઠળ લાભ આપવામાં આવ્યો છે.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
