<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

ગઢડાના ઇંશ્વરીયા ગામે 75 વર્ષીય વૃદ્ધા પર હુમલો કરનારની ધરપકડ: પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

પોલીસે આરોપીને પાઠ ભણાવવા માટે રીકન્સ્ટ્રક્શન કરાવ્યું,આરોપીને જાહેરમાં ઉઠક-બેઠક કરાવી અને ગામની મહિલાઓની માફી મંગાવી

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઈશ્વરીયા ગામે માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. ગામમાં એકલા રહેતા 75 વર્ષીય વૃદ્ધા પર મલિન ઈરાદે હુમલો કરનાર શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે. પોલીસે આરોપીને પાઠ ભણાવવા માટે ઘટનાસ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું હતું.

 

ગઢડાના ઈશ્વરીયા ગામે એકલા રહેતા 75 વર્ષીય વૃદ્ધા પર ગામના જ નરેન્દ્રસિંહ ઉર્ફે કાના ભુપતભાઈ ગોહિલે હુમલો કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી વૃદ્ધા પર બળાત્કાર કરવાના ખરાબ ઈરાદે તેમના ઘરમાં ઘુસ્યો હતો. વૃદ્ધાએ પ્રતિકાર કરતા નરાધમે તેમને બેરહેમીથી માર માર્યો હતો. આ હુમલો એટલો ગંભીર હતો કે વૃદ્ધાના બે દાંત પડી ગયા હતા અને તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા જ બોટાદ Dysp મહર્ષિ રાવલના માર્ગદર્શન હેઠળ ગઢડા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસે આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે કાનાની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કડક કલમો હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

 

આરોપીને કાયદાનો ડર લાગે અને સમાજમાં દાખલો બેસે તે માટે પોલીસ તેને ઈશ્વરીયા ગામે લઈ ગઈ હતી. જ્યાં પોલીસે ઘટના કેવી રીતે બની તેનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આટલું જ નહીં, પોલીસે આરોપીને જાહેરમાં ઉઠક-બેઠક કરાવી હતી અને ગામની મહિલાઓની માફી મંગાવી હતી. પોલીસના આ કડક વલણને જોઈને ગ્રામજનોએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો. Dysp મહર્ષિ રાવલના જણાવ્યા અનુસાર, આરોપી સામે BNS ની કલમ 74, 117-2, 115-2, 329-4, 352 અને 351-3 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ આ કેસમાં ઝડપથી ચાર્જશીટ દાખલ કરી આરોપીને કડકમાં કડક સજા મળે તે દિશામાં કાર્યવાહી કરી રહી છે. મહિલાઓની સુરક્ષા સાથે ચેડા કરનાર કોઈ પણ તત્વને છોડવામાં નહીં આવે તેવી કડક ચેતવણી પોલીસે આપી છે.

(7:18 PM IST)