<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

વેલેન્‍ટાઈન-ડે પર ડોક્‍ટર કપલના પ્રેમનું પરફેક્‍ટ પ્રિસ્‍ક્રિપ્‍શન

સોનોગ્રાફી રિપોર્ટ બન્‍યો દિલથી લખાયેલ લગ્નનું આમંત્રણઃ ડોક્‍ટર કપલે કંકોત્રીમાં લગ્નને પ્રેમનું પરમેનન્‍ટ નિદાન ગણાવ્‍યું : પ્રેમની લાગણીઓની ઉજવણીઃ વડોદરાની રેડિયોલોજિસ્‍ટ અને અમદાવાદના પીડિયાટ્રિશિયન તબીબની ક્રિએટિવિટી સાથેની કંકોત્રી

 

વડોદરા,તા.૧૪: વેલેન્‍ટાઈન-ડે એટલે પ્રેમની લાગણીઓની ઉજવણી. વિશ્વભરમાં પ્રેમીઓ વેલેન્‍ટાઈન-ડેની ઉજવણી કરશે, ત્‍યારે ડોક્‍ટર કપલે પોતાની લગ્નની કંકોત્રી દ્વારા પ્રેમની અભિવ્‍યક્‍તિનો એક અનોખો રેકોર્ડ સર્યો છે. વડોદરાની રેડિયોલોજિસ્‍ટ અને અમદાવાદના પીડિયાટ્રિશિયનના લગ્નની કંકોત્રી કોઈ એક પરંપરાગત કાર્ડ નહીં પણ એક મેડિકલ રિપોર્ટ છે.

વડોદરાની રેડિયોલોજિસ્‍ટ ધરતી પરીખ અને અમદાવાદના પીડિયાટ્રિશિયન બિન્‍દેશ શાહના લગ્ન નિમિતે તૈયાર કરાયેલી આમંત્રણ પત્રિકા પરંપરાગત કાર્ડથી વિશેષ છે. ડોક્‍ટર કપલે સામાન્‍ય ડિઝાઈનને બદલે આમંત્રણને સંપૂર્ણ સોનોગ્રાફી રિપોર્ટના સ્‍વરૂપે રજૂ કર્યું છે. મેડિકલ ભાષા અને રોમેન્‍ટિક લાગણીઓનું સંયોજન પત્રિકાને ખાસ બનાવે છે. સામાન્‍ય રીતે ડોક્‍ટર રિપોમાં બીમારીઓ શોધતા હોય છે, પરંતુ અહીં કપલે જીવનસાથી સાથેના સંબંધોનું સચોટ ડાયગ્નોસિસ કર્યું છે. ડોક્‍ટર કપલે આ અનોખી કંકોત્રીમાં લગ્નને પ્રેમનું પરમેનન્‍ટ નિદાન ગણાવ્‍યું છે. કંકોત્રીના આમંત્રણમાં ઈન્‍વેસ્‍ટિગેશન કોલમમાં લખાયું છે કે, સોનોગ્રાફીમાં બે હૃદય એક બનીને ધબકતા હોવાનું માલૂમ પડ્‍યું છે. જેમાં બાળકોના નિષ્‍ણાત ડો.બિન્‍દેશે પણ આ રિપોર્ટમાં પોતાની મહોર મારી છે. કંકોત્રીમાં વિધિને ટ્રીટમેન્‍ટ પ્‍લાન તરીકે દર્શાવાઈ છે. વેલેન્‍ટાઈન-ડેના દિવસે જયારે લોકો ગુલાબ આપીને પ્રેમ વ્‍યક્‍ત કરે છે, ત્‍યારે આ કપલે એક બીજાના પ્રોફેશનને સન્‍માન આપીને સાબિત કર્યું છે કે, સાચો પ્રેમ એકબીજાની કારકિર્દીને સમજવામાં છે. ઉલ્‍લેખનિય છે કે, મહેમાનો માટે ખાસ નોંધ પણ છે કે, જો લગ્નમાં હાજર નહીં રહો તો ક્રોનિક એબસન્‍ટ ડિસોર્ડર થઈ શકે છે? આ હળવી મજાક આમંત્રણને વધુ યાદગાર બનાવે છે.(૪૦.૧૯)

 લવ ડિટેક્‍ટેડ પરમનેન્‍ટલિ ! પ્રેમ સાથે હળવા હાસ્‍યનો મીઠો સંગમ

પત્રિકાની શરૂઆત જ એક અનોખી અને આંખ ખેંચે તેવી લાઇનથી થાય છે, Diagnosis: Love detected permanently! આ લાઇન વાંચનારને તરત જ સ્‍મિત આપતી બની રહે છે. આગળ પત્રિકામાં દર્શાવાયેલ  Symptoms: Constant smiles, rising dopamine, long-term commit-ment જેવી લાઇન પ્રેમની લાગણીઓને વૈજ્ઞાનિક સ્‍પર્શ સાથે રજૂ કરે છે. જ્‍યારે Investigation: Sonography shows two hearts beating as one જેવી કલાત્‍મક રજૂઆત વાંચનારને ભાવુક બનાવી દે તેવી છે. છેલ્‍લે Conclusion: Wedding recommended immediately જેવી રજૂઆત પ્રેમ સાથે હળવા હાસ્‍યનો મીઠો સંગમ ઉભો કરે છે. આ ઉપરાંત લગ્નની તારીખને Procedure Date અને લગ્ન સમારંભને Treatment Plan: Marriage Ceremony તરીકે રજૂ કરવાથી આમંત્રણ પત્રિકા એકદમ અલગ ઓળખ ઊભી કરે છે.

પ્રેમ ત્‍યારે સાચો બને, જયારે દિલથી વ્‍યક્‍ત થાય

પ્રેમ કોઈ વ્‍યાખ્‍યામાં બંધાતો નથી. તે અનુભવાય છે. જીવાય અને ક્‍યારેક લખાય પણ છે. પ્રેમ જીવનમાં સૌથી સુંદર લાગણી છે. અમે વિચાર્યું કે તેને એવી રીતે રજૂ કરીએ, જે અમારી ઓળખ અને દિલ બંનેને વ્‍યક્‍ત કરે. અમારા માટે આ કાર્ડ માત્ર આમંત્રણ નહીં પરંતુ અમારી સફરની લાગણીસભર યાદ છે. અમે ઇચ્‍છયું કે, લોકો તેને વાચે અને સ્‍મિત કરે. વેલેન્‍ટાઈન-ડે પ્રેમની ઉજવણીનો દિવસ ગણાય છે. ત્‍યારે આ આમંત્રણ પત્રિકા એક ઊંડો સંદેશ આપે છે. -ડો.ધરતી અને ડો. બિન્‍દેશ

(10:23 AM IST)