તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
સિહોરના દેવગાણાના શહીદ જવાન મેહુલભાઈ સોલંકીના પરિવારને સરકાર દ્વારા ૧ કરોડની સહાય : નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ચેક અર્પણ કર્યો
નકસલવાદ વિરોધી અભિયાનમાં છત્તીસગઢના બીજાપુરમાં શહીદ થયેલા વીર જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે શ્રદ્ધાંજલિ : કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં શોકમગ્ન માહોલમાં જવાનની બહાદુરીને વંદન કરાયા

ભાવનગર : ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામના વતની અને દેશની સુરક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદ જવાન મેહુલભાઈ નંદલાલભાઈ સોલંકીના પરિવારને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય અર્પણ કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ શહીદના વતન પહોંચીને જવાનને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને શહીદના પરિવાર પ્રત્યે સંવેદનશીલતા વ્યક્ત કરી હતી.
ફરજ દરમિયાન શહીદી અને ઘટનાક્રમ
સી.આર.પી.એફ.ના જવાન મેહુલભાઈ સોલંકી છત્તીસગઢના બીજાપુર જિલ્લાના ઉસુર થાણા ક્ષેત્રમાં નકસલવાદ વિરોધી અભિયાનમાં કાર્યરત હતા. તા. ૨૨/૦૫/૨૦૨૫ના રોજ નકસલવાદીઓ સાથે થયેલ ભીષણ અથડામણ દરમિયાન તેઓને ગોળી વાગતા તેઓ વીરગતિ પામ્યા હતા. માતૃભૂમિની રક્ષા કાજે ફરજ બજાવતા બજાવતા મેહુલભાઈએ શહાદત વહોરી હતી.
શહીદ પરિવારને ૧ કરોડની સહાય
શહીદ પરિવાર પ્રત્યે સરકારની સંવેદનશીલતાના પ્રતિકરૂપે, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે શહીદ જવાનના માતા શ્રીમતી નાનુબેન નંદલાલભાઈ સોલંકીને રૂ. ૧ કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીઓએ પરિવારને સાંત્વના પાઠવતા જણાવ્યું હતું કે, સરકાર શહીદના પરિવારની પડખે હંમેશા ઉભી રહેશે અને જવાનની આ શહાદત ક્યારેય ભૂલાશે નહીં.
ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય
સી.આર.પી.એફ. ના જવાનો દ્વારા નકસલવાદ વિરોધી અભિયાનમાં શહીદ થયેલ પોતાના સાથી જવાનને ગાર્ડ ઓફ ઓનર આપી પૂરા સન્માન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. દેશભક્તિના નારા અને અશ્રુભીની આંખે દેવગાણા ગામના પનોતા પુત્રને અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી શહીદ અમર રહોના નાદ સાથે વીર જવાનને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
