તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
ગુજરાત વિધાનસભા સંકુલ રાજ્યના ભવ્ય કલા વારસાનો અરીસો બન્યું : બજેટ સત્ર પૂર્વે ‘ગરવી ગુર્જરી’ના સહયોગથી ભીંતો પર કંડારાઈ ભાતીગળ લોકકળા
માતાની પછેડી, મડ મિરર વર્ક અને વારલી પેઇન્ટિંગ દ્વારા કલા-કારીગરોને મળ્યું ગૌરવમય મંચ : અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વિઝન સાથે સંકુલમાં કલાત્મક પરિવર્તન

ગાંધીનગર : ગુજરાતની જનતાનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભા હવે રાજ્યના પ્રાચીન અને પરંપરાગત સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતું કેન્દ્ર બની છે. આગામી ૧૬ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર પૂર્વે વિધાનસભા સંકુલને ગુજરાતની લોકકલાના રંગે રંગવામાં આવ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના નવતર અભિગમ અને ‘ગરવી ગુર્જરી’ના માર્ગદર્શન હેઠળ સંકુલની ભીંતો પર અમદાવાદી માતાની પછેડી, કચ્છી મડ મિરર વર્ક અને આદિવાસી વારલી કલાની અદભૂત કૃતિઓ કંડારવામાં આવી છે.
‘વિકાસ ભી, વિરાસત ભી’ ના વિઝનને સાકાર કરતી પહેલ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સાંસ્કૃતિક વિરાસતના જતનના વિઝનને આગળ ધપાવતા અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધાનસભા સંકુલમાં રાજ્યના હજારો કલા-કારીગરોને પ્રોત્સાહન પૂરું પાડવા આ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં હસ્તકળા અને હાથશાળ ઉદ્યોગને જે પ્રોત્સાહન મળી રહ્યું છે, તે દિશામાં આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. ‘ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ’ (ગરવી-ગુર્જરી) દ્વારા પ્રતિભાશાળી કારીગરોની પસંદગી કરી તેમને આ ગૌરવમય પ્રોજેક્ટમાં ભાગીદાર બનાવવામાં આવ્યા છે.
ત્રણ મુખ્ય લોકકળાઓની ભવ્ય પ્રસ્તુતિ
વિધાનસભા સંકુલની શોભા વધારવા માટે ત્રણ વિશિષ્ટ કળાઓની પસંદગી કરવામાં આવી છે:
૧. આદિવાસી વારલી કલા: છોટા ઉદેપુરના રાજ્ય પુરસ્કાર વિજેતા અર્ચનાબેન રાઠવા દ્વારા વારલી કલાના માધ્યમથી પ્રાચીન રાજસભાથી લઈને આધુનિક વિધાનસભા સુધીની યાત્રાને ભીંતો પર જીવંત કરવામાં આવી છે. તેમાં ગ્રામ્યથી શહેરી વિકાસની ભાવનાત્મક ઝાંખી જોવા મળે છે.
૨. કચ્છી મડ મિરર વર્ક (લીપણ કલા): કચ્છની પરંપરાગત કળાને આધુનિક સ્વરૂપ આપનાર ગીરીશ પરમારે મુલતાની માટી અને કાચના ઉપયોગથી વિધાનસભાના વિસ્તારોને સાંસ્કૃતિક ઓપ આપ્યો છે. કચ્છના ભૂંગા ઘરોની આ ઓળખ હવે શાસનના સર્વોચ્ચ કેન્દ્ર પર જોવા મળશે.
૩. માતાની પછેડી (કલમકારી): અમદાવાદની પ્રાચીન માતાની પછેડી કલાને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ચંદ્રકાંત ચિતારા અને તેમના પુત્રી મિત્તલ ચિતારાએ દિવાલો પર કંડારી છે. પરંપરા અને આધુનિકતાનું આ સંગમ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
શાસન અને સંસ્કૃતિનો અનોખો સમન્વય
વિધાનસભા સંકુલ હવે માત્ર રાજકીય ગતિવિધિઓનું જ કેન્દ્ર નથી રહ્યું, પરંતુ તે ગુજરાતની લોક સંસ્કૃતિનો જીવંત અરીસો બની ગયું છે. આ પહેલથી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સ્થાનિક કારીગરોની પ્રતિભાને નવી ઓળખ મળશે. બજેટ સત્ર દરમિયાન આવનાર લોક પ્રતિનિધિઓ, અતિથિઓ અને મુલાકાતીઓ ગુજરાતના આ સમૃદ્ધ વારસાને નિહાળી શકશે. ગરવી ગુર્જરીના આ પ્રયાસથી સ્થાનિક કલાકારોને માત્ર બજાર જ નહીં, પરંતુ પ્રતિષ્ઠિત સરકારી મંચ પર પણ સ્થાન મળ્યું છે, જે રાજ્યની કલા-કારીગરીને સશક્ત બનાવવાની દિશામાં એક મોટું પગલું છે.
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
