News of Saturday, 14th February 2026
અમદાવાદમાં ભક્તિ અને પ્રેમનો અનોખો સંગમ: મહાશિવરાત્રી અને વેલેન્ટાઇન-ડેએ ફૂલોના બજારમાં લાવી 'સુગંધિત' તેજી, ગુલાબના ભાવ આસમાને
સામાન્ય દિવસો કરતા ૬ ગણો વધુ માલ ઉતારાયો; દેવાધિદેવ મહાદેવ અને પ્રેમી પંખીડાઓની માંગને પહોંચી વળવા મુંબઈ-બેંગલુરુથી મંગાવાયા ફૂલોના ખાસ કન્સાઈનમેન્ટ

અમદાવાદ: આજે અમદાવાદના રસ્તાઓ પર અને બજારોમાં એક અલગ જ ચમક જોવા મળી રહી છે. કારણ છે - ભક્તિ અને પ્રેમનો અનોખો સંયોગ. આજે ૧૪ ફેબ્રુઆરી એટલે કે 'વેલેન્ટાઇન-ડે' અને આવતીકાલે 'મહાશિવરાત્રી'. એક તરફ યુવા હૈયાઓ પોતાના પ્રિયપાત્રને ગુલાબ આપવા આતુર છે, તો બીજી તરફ શિવભક્તો ભોળાનાથને રીઝવવા માટે પુષ્પો શોધી રહ્યા છે. આ બેવડા ઉત્સવના કારણે અમદાવાદના ફૂલ બજારમાં ભારે તેજી જોવા મળી રહી છે.
ગુલાબની પાંખડીઓ થઈ મોંઘીદાટ
સામાન્ય દિવસોમાં જે ગુલાબ સસ્તું મળતું હતું, તેની કિંમત આજે આસમાને પહોંચી છે. છૂટક બજારમાં એક નંગ ગુલાબનો ભાવ ૨૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે, જ્યારે ૨૦ ગુલાબના બંચ (ગુચ્છા) માટે લોકો ૬૦૦ રૂપિયા સુધી ચૂકવી રહ્યા છે. અમદાવાદમાં ફૂલોનો જથ્થો મુંબઈ, પુણે, દિલ્હી અને બેંગલુરુ જેવા મોટા શહેરોથી ખાસ મંગાવવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે સામાન્ય દિવસોમાં જ્યાં ૧૦૦ બોક્સ ગુલાબ આવતા હતા, ત્યાં આજે ૬૦૦ બોક્સ ગુલાબનો જથ્થો ઉતારવામાં આવ્યો છે.
શિવભક્તિ માટે ગલગોટાની માંગમાં ઉછાળો
આજે ગુલાબનો જબરો ઉપાડ રહ્યો છે, પરંતુ આવતીકાલે મહાશિવરાત્રી હોવાથી ગલગોટા (મેરીગોલ્ડ) ના ભાવમાં પણ ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. દેવાધિદેવ મહાદેવના શણગાર અને પૂજા માટે ગલગોટા અનિવાર્ય છે. સામાન્ય રીતે ૧૦ કિલો ગલગોટાનો ભાવ ૪૦૦ રૂપિયાની આસપાસ હોય છે, જે અત્યારે વધીને ૬૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે. વિક્રેતાઓ માટે આ બે દિવસો 'ચાંદી' કાપવાના સાબિત થઈ રહ્યા છે.
મોંઘવારી ન બની અડચણ
નવાઈની વાત એ છે કે ભાવમાં આટલો મોટો વધારો હોવા છતાં ખરીદનારાઓમાં જરાય ઘટાડો થયો નથી. ભક્તો શિવજી માટે અને પ્રેમીઓ પોતાના પાર્ટનર માટે હોંશે-હોંશે ઉંચા ભાવે પણ ફૂલો ખરીદી રહ્યા છે. અમદાવાદના ફૂલ બજારોમાં વહેલી સવારથી જ ભારે ચહલ-પહલ અને ભીડ જોવા મળી રહી છે. આમ, મોંઘવારી પર ભક્તિ અને પ્રેમની જીત થતી હોય તેવું ચિત્ર અત્યારે કર્ણાવતી નગરીમાં દેખાઈ રહ્યું છે.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
