News of Saturday, 14th February 2026
પ્રેમની કોઈ આંખ નથી હોતી, માત્ર અહેસાસ હોય છે: દૃષ્ટિહીન પ્રોફેસર અને ગાયિકા વૈશાલીની અનોખી પ્રેમકહાણી, સંગીતના સથવારે રચ્યું મેઘધનુષ્ય
પરિવારનો વિરોધ અને જીવનના સંઘર્ષો વચ્ચે ૨૮ વર્ષની અતૂટ સફર; અમદાવાદના નિર્મેશ અને વૈશાલીએ સાબિત કર્યું કે સાચો પ્રેમ નસીબની રેખાઓનો મોહતાજ નથી

અમદાવાદ: વેલેન્ટાઇન-ડેના દિવસે જ્યારે દુનિયા ભૌતિક આકર્ષણોમાં રાચે છે, ત્યારે અમદાવાદના એક દંપતીની કહાણી પ્રેમની સાચી વ્યાખ્યા સમજાવે છે. આ વાર્તા છે દૃષ્ટિહીન પ્રોફેસર નિર્મેશ મહેતા અને તેમની પત્ની વૈશાલી મહેતાની. દેખાતું હોવા છતાં એક નેત્રહીન વ્યક્તિ સાથે જીવન વિતાવવાનો વૈશાલીનો નિર્ણય તે સમયે સમાજ અને પરિવાર માટે ‘ભૂકંપ’ સમાન હતો, પણ આજે તેમની જોડી લાખો લોકો માટે પ્રેરણાનું ઝરણું બની છે.
સુર અને સંગીતથી શરૂ થયેલી સફર
૯૦ના દાયકામાં શરૂ થયેલી આ કહાણી મ્યુઝિકલ સ્ટેજ પરથી શરૂ થઈ હતી. વૈશાલી અને નિર્મેશ બંને પ્રોફેશનલ સિંગર તરીકે સાથે ગાતા હતા. નિર્મેશ ભલે જોઈ શકતા નહોતા, પણ તેમનો અવાજ અને ભણવામાં તેમની તેજસ્વીતા વૈશાલીને સ્પર્શી ગઈ હતી. ૧૯૯૫માં જ્યારે નિર્મેશ કેનેડા જવાના હતા, ત્યારે પહેલીવાર તેમણે પ્રોફેશનલ કામ વગર વૈશાલીને ફોન કર્યો અને ત્યાંથી જ પ્રેમના અંકુર ફૂટ્યા.
લગ્ન માટે લડત અને સંઘર્ષના દિવસો
વૈશાલીએ જ્યારે ઘરમાં નિર્મેશ સાથે લગ્ન કરવાની વાત કરી, ત્યારે ભારે વિરોધ થયો. લોકો કહેતા, "જિંદગીનો સવાલ છે, ફરી વિચાર કર." પણ વૈશાલી મક્કમ હતી. ૧૯૯૮માં બંનેએ લગ્ન કર્યા ત્યારે ઘરમાં નહોતું ફ્રીઝ કે નહોતું સોફા. પગાર ઓછો હતો, છતાં બંનેએ સંગીતના પ્રોગ્રામો કરીને એક-એક વસ્તુ વસાવી. હપ્તેથી ફ્રીઝ લાવવાની ખુશી હોય કે ટુ-વ્હીલર પર ગર્ભવતી અવસ્થામાં પ્રોગ્રામ કરવા જવાની વાત - આ દંપતીએ દરેક મુશ્કેલીને સ્મિત સાથે વધાવી છે.
જ્યારે કારમાં મ્યુઝિક સિસ્ટમ માટે પૈસા નહોતા
નિર્મેશભાઈ એક કિસ્સો યાદ કરતા કહે છે કે, જ્યારે તેમણે પહેલી કાર લીધી ત્યારે તેમાં ટેપ રેકોર્ડર નંખાવવાના પૈસા નહોતા. વૈશાલી કાર ચલાવતી અને નિર્મેશભાઈ ટ્રાન્ઝિસ્ટરનું એરિયલ બારીની બહાર રાખીને સંગીત વગાડતા. આજે આ દંપતીના સંગીતને શાહરૂખ ખાનથી લઈને પંડિત જસરાજ જેવી હસ્તીઓએ બિરદાવ્યું છે.
ભીતરમાં ક્યારેય રંગો ખૂટ્યા નથી
નિર્મેશભાઈ માટે ભલે બહારની દુનિયામાં અંધકાર હોય, પણ વૈશાલીના સાથને કારણે તેમના જીવનમાં મેઘધનુષ્યના તમામ રંગો પુરાયા છે. આજે પણ અમદાવાદના બોપલ વિસ્તારમાં આ ગાયક દંપતી સાથે રિયાઝ કરે છે અને સાબિત કરે છે કે જો જીવનસાથીનો હાથ મજબૂત હોય, તો ભાગ્યની રેખાઓ જોવાની જરૂર રહેતી નથી.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
