તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
બરોડા ક્રિકેટમાં ઇરફાન પઠાણની 'ગૂગલી': સત્તાધીશો સામે બળવો પોકારતા કહ્યું- "અહીં માત્ર જી-હજૂરી કરનારાઓને જ કામ મળે છે"
BCA ચૂંટણી પૂર્વે વડોદરાના રાજકારણમાં ગરમાવો; પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડરે સિસ્ટમ પર સવાલો ઉઠાવતા કહ્યું- "બિનઅનુભવી લોકોના હાથમાં છે ક્રિકેટનું ભવિષ્ય"

વડોદરા: બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ની આગામી ચૂંટણી પહેલા વડોદરાના ક્રિકેટ જગતમાં મોટો વિસ્ફોટ થયો છે. ભારતીય ટીમના પૂર્વ સ્ટાર ક્રિકેટર ઇરફાન પઠાણે એસોસિએશનના વર્તમાન સત્તાધીશો સામે મોરચો માંડ્યો છે. ઇરફાને અત્યંત ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે, વડોદરામાં ક્રિકેટનું સ્તર સતત નીચે જઈ રહ્યું છે કારણ કે અહીં પ્રતિભા કરતા 'સલામ' કરનારાઓને વધુ મહત્વ આપવામાં આવે છે.
"BCA એ અમને ઓળખ આપી, પણ અત્યારે સ્થિતિ ચિંતાજનક"
ઇરફાન પઠાણે ભાવુક થતા કહ્યું કે, "આજે હું જે કંઈ પણ છું તે આ સંસ્થાને કારણે છું. જો BCA ન હોત તો કદાચ અમે આ સ્તરે પહોંચી શક્યા ન હોત." તેમણે જણાવ્યું કે સંસ્થા પ્રત્યેના પ્રેમને કારણે જ તેમણે CIC કમિટીમાં એક પણ રૂપિયો લીધા વગર સેવા આપી હતી. પરંતુ હાલમાં જે રીતે નિર્ણયો લેવામાં આવે છે તે સંસ્થાના હિતમાં નથી. પાયાના ક્રિકેટને મજબૂત કરવાને બદલે સત્તાને ટકાવી રાખવાનો ખેલ ચાલી રહ્યો છે.
બિનઅનુભવી લોકોના ઈશારે તંત્ર
ઇરફાને વધુમાં આરોપ લગાવ્યો કે ચેરમેન અને સિલેક્ટર જેવા પદો પર એવા લોકોની નિમણૂક કરવામાં આવે છે જેમને ક્રિકેટનો પૂરતો અનુભવ નથી. તેમણે તીખા શબ્દોમાં કહ્યું કે, "બિનઅનુભવી લોકોને કંટ્રોલ કરવા સરળ હોય છે, તેથી સત્તાધીશો તેમને આગળ ધરે છે." યોગ્ય અને અનુભવી લોકોની અવગણના થવાને કારણે વડોદરાના ટેલેન્ટને નુકસાન થઈ રહ્યું છે. વડોદરાના લાયક કોચ અફઘાનિસ્તાન જેવી ટીમોને ટ્રેનિંગ આપી રહ્યા છે પણ વડોદરામાં તેમને સન્માન મળતું નથી.
૧૫ ફેબ્રુઆરીએ પરિવર્તનની આશા
વડોદરાના ક્રિકેટના ઉજ્જવળ ભવિષ્ય માટે ઇરફાને પરિવર્તનને અનિવાર્ય ગણાવ્યું છે. આવતીકાલે ૧૫ ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં સભ્યોને સમજી-વિચારીને મતદાન કરવાની અપીલ કરતા પઠાણે કહ્યું કે, જો અત્યારે સુધારો નહીં થાય તો વડોદરાનું ક્રિકેટ વર્ષો પાછળ ધકેલાઈ જશે. ઇરફાનના આ ખુલ્લા બળવાએ ચૂંટણી પૂર્વે આખું વાતાવરણ બદલી નાખ્યું છે.
(7:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
