તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
મહુડી તીર્થમાં 'ગોલ્ડ વૉર': ૧૩૦ કિલો સોનાની ચોરીના આક્ષેપો પર ટ્રસ્ટીઓનો વળતો પ્રહાર, પત્રકાર પરિષદમાં ખોલ્યા ભ્રષ્ટાચારના 'પટારા'
"પદની લાલચમાં ટ્રસ્ટને બદનામ કરવાનું ગંદું રાજકારણ": પૂર્વ સભ્યોના ગુનાહિત ઇતિહાસ અને કૌભાંડોનો ટ્રસ્ટીઓએ પુરાવા સાથે કર્યો પર્દાફાશ

મહુડી: ગાંધીનગર જિલ્લાના સુપ્રસિદ્ધ જૈન તીર્થ મહુડી મંદિરમાં છેલ્લા કેટલાક દિવસોથી ૧૩૦ કિલો સોનાની ચોરીને લઈને ચાલી રહેલા વિવાદે આજે નવો વળાંક લીધો છે. મહુડી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ટ્રસ્ટના વર્તમાન ટ્રસ્ટીઓએ એક તાકીદની પત્રકાર પરિષદ યોજીને પૂર્વ સભ્યો દ્વારા લગાવાયેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ટ્રસ્ટીઓએ આક્ષેપ કરનાર વ્યક્તિઓના ભૂતકાળ અને તેમના હેતુઓ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
આક્ષેપ કરનારાઓનો ગુનાહિત ઇતિહાસ
ટ્રસ્ટના અગ્રણી ભૂપેન્દ્ર વોરાએ ખુલાસો કર્યો કે, સોનાની ચોરીનો આરોપ લગાવનાર અંકિત મહેતા અને જયેશ મહેતા પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અંકિત મહેતા અગાઉ ૧૯ મહિના સુધી પાસા (PASA) હેઠળ જેલની સજા ભોગવી ચૂક્યા છે. તેમના ખરાબ વર્તનને કારણે જ તેમને સંઘના સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા હતા. સત્તા ગુમાવ્યા બાદ ટ્રસ્ટની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવા માટે તેઓ ભક્તોને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનો દાવો ટ્રસ્ટીઓએ કર્યો છે.
સોનું ક્યાંય ગયું નથી, રેકોર્ડ પર છે!
૧૩૦ કિલો સોનાની હેરાફેરીના આક્ષેપ અંગે સ્પષ્ટતા કરતા ટ્રસ્ટીઓએ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૫ સુધીના તમામ ઓડિટ રિપોર્ટ્સ ઉપલબ્ધ છે, જેમાં સોનાનો એક-એક ગ્રામનો હિસાબ નોંધાયેલો છે. તીર્થના લોકર કોઈ એક વ્યક્તિની ચાવીથી નહીં, પણ ત્રણ અલગ-અલગ વ્યક્તિઓની હાજરીમાં જ ખોલી શકાય તેવી સુરક્ષિત વ્યવસ્થા છે. ૨૦૨૩માં જ્યારે તીર્થના ભંડારમાંથી સીસીટીવી ફૂટેજમાં કેટલીક શંકાસ્પદ હિલચાલ દેખાઈ હતી, ત્યારે તેમાં આક્ષેપ કરનારના જ કુટુંબીઓ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું.
કૌભાંડના માસ્ટરમાઈન્ડ હોવાનો આરોપ
પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું કે, અંકિત મહેતા અને તેમના ધર્મપત્ની સામે પણ અનેક છેતરપિંડીના કેસો ચાલી રહ્યા છે. તેમણે નામ બદલીને સરકાર સાથે પણ ચીટિંગ કર્યું હોવાના ૧૦ જેટલા કેસો ચાલી રહ્યા છે. અગાઉ તેમણે ચેરિટી કમિશનર ઓફિસમાં ખોટા અહેવાલો રજૂ કરીને સત્તા મેળવવાનો પ્રયાસ કર્યો હતો, જે અરજી કમિશનરે ફગાવી દીધી હતી. આમ, તમામ પેંતરા નિષ્ફળ જતા હવે તેઓ વર્તમાન ટ્રસ્ટીઓને બદનામ કરવાના નીચલા સ્તરે ઉતરી આવ્યા છે.
ટ્રસ્ટીઓએ મક્કમતાથી જણાવ્યું કે, મહુડી તીર્થની પવિત્રતા અને ભક્તોની શ્રદ્ધા જાળવી રાખવા માટે તેઓ કોઈપણ કાયદાકીય તપાસ માટે તૈયાર છે. આ 'ગોલ્ડ વિવાદ' હવે માત્ર મંદિરના વહીવટ પૂરતો મર્યાદિત ન રહેતા કાયદાકીય જંગમાં ફેરવાઈ ગયો છે.
(7:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
