<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

જૂનાગઢના મિની કુંભમાં શ્રદ્ધાનો મહાસાગર : નાણા રાજ્યમંત્રી કમલેશ પટેલે ગિરનાર દરવાજાથી ભવનાથ સુધી પદયાત્રા કરી મહાદેવના આશીર્વાદ લીધા

ધારાસભ્ય સંજય કોરડીયા સાથે સામાન્ય ભાવિકોની જેમ મેળામાં મહાલ્યા : અગ્નિ અખાડાના ગાયત્રી યજ્ઞમાં આહુતિ આપી : પાણીના પરબ પર સ્વયંસેવકોની સેવાભાવનાને બિરદાવતા મંત્રી

(વિનું જોષી દ્વારા)જૂનાગઢ : ગિરનારની તળેટીમાં આયોજિત મહાશિવરાત્રીના મેળામાં આજે આસ્થાનો અનેરો સંગમ જોવા મળ્યો હતો. રાજ્યના નાણાં અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્યમંત્રી કમલેશ પટેલ આજે મહાશિવરાત્રીના મેળામાં શ્રદ્ધાળુઓ સાથે સહભાગી થયા હતા. મંત્રીએ કોઈ પણ પ્રોટોકોલ વિના સામાન્ય નાગરિકની જેમ ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી પગપાળા યાત્રા કરી ભગવાન ભવનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ભાવિકો વચ્ચે પદયાત્રા અને સંવાદ
ગિરનાર દરવાજાથી શરૂ થયેલી આ પદયાત્રામાં મંત્રી કમલેશ પટેલની સાથે ધારાસભ્ય સંજય કોરડીયા પણ જોડાયા હતા. આ મુલાકાત દરમિયાન મંત્રીએ મેળામાં આવેલા શ્રદ્ધાળુઓ સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેમના પ્રતિભાવો મેળવ્યા હતા. માર્ગમાં આવતા ભાવિકોનું અભિવાદન ઝીલી મંત્રીએ મેળાના વાતાવરણમાં શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. આ પદયાત્રા દરમિયાન તેમણે મેળામાં કાર્યરત પીવાના પાણીના પરબની પણ મુલાકાત લીધી હતી. ત્યાં પોતે પાણી પીવાની સાથે ખડેપગે સેવા આપી રહેલા સ્વયંસેવકોની કામગીરી અને સેવાભાવનાને ખાસ બિરદાવી હતી.
ગાયત્રી યજ્ઞમાં આહુતિ અને મહાનુભાવોની ઉપસ્થિતિ
ભવનાથ મહાદેવના દર્શન કરતા પૂર્વે મંત્રીએ અગ્નિ અખાડા ખાતે આયોજિત ગાયત્રી યજ્ઞમાં પણ હાજરી આપી હતી. તેમણે યજ્ઞમાં આહુતિ આપી લોકકલ્યાણની પ્રાર્થના કરી હતી. આ ધાર્મિક પ્રસંગે ભારદ્વાજ ગીરીબાપુ, અગ્રણી પ્રદીપ ખીમાણી, ધવલ દવે, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા સહિતના મહાનુભાવો અને સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા.
અગાઉ અનેક મંત્રીઓએ કરી છે પદયાત્રા
ઉલ્લેખનીય છે કે, જૂનાગઢના આ ભવ્ય મેળામાં શ્રદ્ધાભાવ સાથે પદયાત્રા કરવાની પરંપરા જળવાઈ રહી છે. કમલેશ પટેલ પૂર્વે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા તેમજ ઉર્જા રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા સહિતના મહાનુભાવોએ પણ ગિરનારની મધરાતે પદયાત્રા કરી મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે. મહાશિવરાત્રીના મેળામાં રાજકીય મહાનુભાવોની આ ઉપસ્થિતિ અને પદયાત્રા ભાવિકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

(8:22 PM IST)