<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

પતિના અવસાન બાદ હિંમત હારવાને બદલે હૈયે હામ ધરી: નર્મદાની શર્મિલાબેને હાથમાં ટ્રેક્ટરનું સ્ટેયરિંગ પકડી ખેતીમાં ક્રાંતિ સર્જી, ૧૦ ફૂટ ઊંચી તુવેર જોઈ દુનિયા દંગ

સંઘર્ષની રાખમાંથી બેઠી થઈ આત્મનિર્ભરતાની મિસાલ બની ડેડિયાપાડાની દીકરી; ૧૨ મહિલાઓને પણ પ્રાકૃતિક ખેતીના માર્ગે જોડી ગામનું ચિત્ર બદલ્યું, 'ઝીરો બજેટ' ખેતીથી શૂન્ય ખર્ચે લાખોની કમાણી

નર્મદા (ડેડિયાપાડા): "મન હોય તો માળવે જવાય" અને "નારી તું નારાયણી" આ બંને ઉક્તિઓને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના શર્મિલાબેન વસાવાએ ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે. ૧૨ વર્ષ પૂર્વે પતિના આકસ્મિક અવસાન બાદ આર્થિક કટોકટી અને સામાજિક પડકારો સામે ઝૂકવાને બદલે, આ આદિવાસી મહિલાએ ખેતીને પોતાનું હથિયાર બનાવ્યું. આજે તેઓ માત્ર એક સફળ ખેડૂત જ નહીં, પરંતુ ગ્રામીણ મહિલા સશક્તિકરણનું જીવંત ઉદાહરણ બની ચૂક્યા છે.
જ્યારે સ્ત્રીએ ટ્રેક્ટરનું સ્ટેયરિંગ સંભાળ્યું
પતિના નિધન બાદ ચાર એકર જમીન ખેડવી અને પરિવારનું ભરણપોષણ કરવું એ શર્મિલાબેન માટે પહાડ જેવો પડકાર હતો. મજૂરો પર નિર્ભર રહેવાને બદલે તેમણે પોતે જ મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું. પુરુષ પ્રધાન ગણાતા ખેતીકામમાં તેમણે જાતે ટ્રેક્ટર ચલાવતા શીખીને સૌને ચોંકાવી દીધા હતા. ખેતર ખેડવાથી લઈને વાવણી સુધીનું તમામ કામ તેઓ જાતે જ સંભાળે છે.

પ્રાકૃતિક ખેતીનો જાદુ: ૧૦ ફૂટ ઊંચા તુવેરના છોડ
શર્મિલાબેને રાસાયણિક ખાતરો અને મોંઘા જંતુનાશકોને કાયમી તિલાંજલિ આપી ‘ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી’ અપનાવી છે. આ પદ્ધતિનો એવો ચમત્કાર જોવા મળ્યો છે કે તેમના ખેતરમાં તુવેરના છોડ ૧૦-૧૦ ફૂટ ઊંચા થયા છે, જે આસપાસના વિસ્તારમાં કુતૂહલ અને આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તુવેર ઉપરાંત હળદર અને અન્ય પાકોના મબલખ ઉત્પાદન દ્વારા તેઓ વાર્ષિક શાનદાર આવક મેળવી રહ્યા છે. ગાય આધારિત આ ખેતીથી જમીનની ફળદ્રુપતા વધી છે અને ખેતીનો ખર્ચ લગભગ શૂન્ય થઈ ગયો છે.
એકલા નહીં, ૧૨ મહિલાઓને સાથે લઈ કરી પ્રગતિ
પોતાની સફળતાનો સ્વાદ શર્મિલાબેને એકલાએ નથી ચાખ્યો. તેમણે ગામની અન્ય ૧૨ મહિલાઓને સંગઠિત કરી તેમને પણ પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી આત્મનિર્ભર બનાવી છે. આજે આ મહિલા મંડળ ઝેરમુક્ત અનાજ પકવીને સ્વાસ્થ્ય અને સંપત્તિ બંને મેળવી રહ્યું છે. રાજ્ય સરકારની વિવિધ કૃષિ યોજનાઓનો લાભ લઈને શર્મિલાબેને સાબિત કર્યું છે કે મક્કમ મનોબળ હોય તો વિધિના લેખ પણ બદલી શકાય છે.
શર્મિલાબેન વસાવા આજે નર્મદા જિલ્લાની અનેક મહિલાઓ માટે દીવાદાંડી સમાન બન્યા છે. તેમની આ સફર એ વાતની સાક્ષી પૂરે છે કે હિંમત અને મહેનત સામે નસીબને પણ નમવું પડે છે.

(10:17 PM IST)