<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

શિક્ષણ જગત માટે કાળી ટીલી: સંતાનોના LC બદલામાં આચાર્યએ માંગી 'શારીરિક સુખ'ની લાંચ, હોટલમાંથી રંગેહાથ ઝડપાયો લંપટ કિરીટ ઝાલા!

નડિયાદના ઇન્ચાર્જ આચાર્યની વાસનાનો પર્દાફાશ; મજબૂર માતાને અમદાવાદની હોટલમાં બોલાવી હતી, બજરંગ દળના કાર્યકરોએ મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો

નડિયાદ: ગુજરાતમાં શિક્ષણ જગતને લાંછન લગાડતી એક શરમજનક ઘટના સામે આવી છે. નડિયાદની એક આશ્રમશાળામાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવતા કિરીટ ઝાલાએ ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધોને લજવ્યા છે. પોતાના જ વિદ્યાર્થીઓના લિવિંગ સર્ટિફિકેટ (LC) આપવાના બહાને એક મજબૂર માતા પાસે શારીરિક અપેક્ષા રાખનાર આ 'લંપટ' આચાર્યની અમદાવાદના વટવા વિસ્તારની હોટલમાંથી ધરપકડ કરવામાં આવી છે.
મજબૂરીનો ફાયદો ઉઠાવવાનો હિચકારો પ્રયાસ
મળતી માહિતી મુજબ, પીડિત મહિલાના બે સંતાનો નડિયાદની આશ્રમશાળામાં અભ્યાસ કરતા હતા. કોઈ કારણોસર બાળકો હોસ્ટેલમાંથી ભાગી ગયા હોવાથી, મહિલા તેમના LC કઢાવવા માટે આચાર્ય કિરીટ ઝાલાના સંપર્કમાં હતી. જોકે, શિક્ષણના ઓઠ હેઠળ છુપાયેલા આ વરુએ મદદ કરવાને બદલે મહિલાની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનું નક્કી કર્યું. આચાર્યએ શરત મૂકી હતી કે જો LC જોઈતું હોય તો મહિલાએ તેને ત્રણ વાર એકાંતમાં મળવું પડશે.
હોટલમાં ગોઠવ્યું છટકું અને પર્દાફાશ
આચાર્ય સતત વોટ્સએપ અને કોલ દ્વારા મહિલાને અશ્લીલ મેસેજ કરી અમદાવાદ બોલાવતો હતો. મહિલાએ આ અંગે પોતાના સંબંધીઓ અને બજરંગ દળના કાર્યકરોને જાણ કરી હતી. ગત રોજ, જ્યારે આચાર્ય કિરીટ ઝાલા મહિલાને વટવા GIDC વિસ્તારની એક હોટલમાં મળવા બોલાવી ત્યારે કાર્યકરોએ ત્યાં પહોંચીને તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ લંપટ આચાર્યને બરાબરનો 'મેથીપાક' ચખાડ્યો હતો અને ત્યારબાદ પોલીસને હવાલે કર્યો હતો.
પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા
વટવા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ તેજ કરી છે. પોલીસને આચાર્ય અને મહિલા વચ્ચે થયેલી વોટ્સએપ ચેટ અને કોલ રેકોર્ડિંગ જેવા મજબૂત પુરાવા મળી આવ્યા છે. પીડિત મહિલાએ આક્ષેપ કર્યો છે કે, આચાર્ય તેને અગાઉ બેંકમાં પણ લઈ ગયો હતો અને આધારકાર્ડ લઈ કોરા કાગળ પર સહી કરાવી દબાણ ઊભું કર્યું હતું. વર્ષ 2010થી શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા આ વ્યક્તિની આવી કરતૂતથી વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

(10:27 PM IST)