<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

સુરતની AURO યુનિવર્સિટીમાં વેદજ્ઞાનનો વૈશ્વિક ગુંજારવ: છ દેશોના વિદ્વાનોએ ‘વૈદિક જ્ઞાનના આધુનિક પ્રયોગો’ પર કર્યું મંથન

મુખ્યમંત્રીના સલાહકાર હસમુખ અધિયાએ વેદને ‘જીવનનો માર્ગ’ ગણાવ્યો; અમેરિકા, સિંગાપુર અને નેપાળ સહિતના સંશોધકોએ શ્રી અરવિંદના દર્શન સાથે વેદજ્ઞાનને જોડી ચેતનાના વિકાસ પર આપ્યો ભાર

સુરત: હીરા નગરી સુરતમાં આવેલી જાણીતી એયુરો (AURO) યુનિવર્સિટી ખાતે “Discovery and Application of Vedic Knowledge” વિષય પર ચાર દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનો ભવ્ય પ્રારંભ થયો છે. આ પરિષદમાં ભારત ઉપરાંત અમેરિકા, સ્વિટ્ઝર્લૅન્ડ, સિંગાપુર, નેપાળ અને તાઈવાન એમ કુલ છ દેશોના નામી વિદ્વાનો અને સંશોધકો એક મંચ પર એકઠા થયા છે. હાઇબ્રિડ મોડમાં યોજાયેલી આ કોન્ફરન્સમાં ઓફલાઇન અને ઓનલાઇન માધ્યમથી સેંકડો જિજ્ઞાસુઓ જોડાયા હતા.

વેદ એ માત્ર ગ્રંથ નહીં, જીવન જીવવાની કળા છે

પરિષદના મુખ્ય અતિથિ અને ગુજરાતના મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અધિયાએ ‘ઇન્ટિગ્રલ એજ્યુકેશન’ પર ભાર મૂકતા જણાવ્યું કે વેદ એ માત્ર પ્રાચીન ધાર્મિક પુસ્તકો નથી, પરંતુ માનવ ચેતના અને જીવનને સમજવાનો વૈજ્ઞાનિક માર્ગ છે. તેમણે પંચકોષ અને ત્રિગુણ જેવા ગૂઢ વિષયોને આધુનિક સંદર્ભમાં સમજાવ્યા હતા. યુનિવર્સિટીના સ્થાપક અધ્યક્ષ હસમુખ રામાણીએ ઉમેર્યું કે નવી પેઢી સુધી આ પ્રાચીન જ્ઞાન પહોંચાડવું એ સંસ્થાની પ્રાથમિકતા છે.

સંશોધન પત્રો અને વૈશ્વિક મહત્વ

યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર પરિમલ એચ. વ્યાસે જણાવ્યું કે આ પરિષદમાં ચેતનાનો વિકાસ, રૂપાંતરણ યોગ, કલા-સાહિત્ય અને સંસ્કૃતિ જેવા મુખ્ય મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી રહી છે. આ દરમિયાન કુલ 45 પૂર્ણ સંશોધન પત્રો (Research Papers) અને 67 સારાંશો રજૂ કરવામાં આવ્યા છે. ડૉ. અનુરાધા ચૌધરી (IIT ખડગપુર) અને ડૉ. આલોક પાંડે જેવા નિષ્ણાતોએ વેદજ્ઞાનના વ્યવહારુ ઉપયોગ અને માનસશાસ્ત્ર પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.

ધ્યાન અને આધ્યાત્મિક અનુભૂતિ

પરિષદના દિવસનું સમાપન માત્ર બૌદ્ધિક ચર્ચાઓથી નહીં, પરંતુ આંતરિક શાંતિના અનુભવ સાથે થયું હતું. ‘શ્રી અરવિંદ ઇન્ટિગ્રલ લાઇફ સેન્ટર’ (SAILC) ખાતે વિશેષ માર્ગદર્શિત ધ્યાન સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાત્વિક ભોજન, પર્યાવરણ અને ‘લિવિંગ ભગવદ ગીતા’ જેવા વિષયો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ આયોજન દ્વારા વેદજ્ઞાન અને આધુનિક શિક્ષણના સમન્વયનો એક નવો માર્ગ સુરતની ધરતી પરથી પ્રશસ્ત થયો છે.

(11:35 PM IST)