તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th February 2026
અમદાવાદ ક્રાઈમ: નારોલમાં જમાઈએ સસરાની તીક્ષ્ણ હથિયારના ખચાખચ ઘા ઝીંકી હત્યા કરી: કૌટુંબિક વિવાદને કારણે જમાઈ ઉશ્કેરાઈ ગયેલ
નારોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી બાગે કૌશર સોસાયટી નજીક લાંબા સમયથી ચાલી રહેલા કૌટુંબિક વિવાદને કારણે જમાઈ ઉશ્કેરાઈ ગયો હતો

અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં કૌટુંબિક ઝઘડામાં જમાઈએ પોતાના જ સસરાની કરપીણ હત્યા કરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. નારોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી બાગે કૌશર સોસાયટી નજીક લાંબા સમયથી ચાલી રહેલા કૌટુંબિક વિવાદને કારણે જમાઈ ઉશ્કેરાઈ ગયો હતો. સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા જમાઈએ સસરા પર તીક્ષ્ણ હથિયાર વડે ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા. હુમલો એટલો ભયાનક હતો કે સસરાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
મરણજનારના પરિજનોએ જમાઈ ઉપરાંત તેના ભાઈ અને માતા સામે પણ આ હત્યામાં સંડોવણી હોવાના આક્ષેપો કર્યા છે.
સત્તાવાર અહેવાલોમાં હજુ સુધી મૃતક સસરા કે આરોપી જમાઈના ચોક્કસ નામ જાહેર કરવામાં આવ્યા નથી. પોલીસ દ્વારા અત્યારે પરિજનોના નિવેદન લેવામાં આવી રહ્યા છે અને આરોપીઓની શોધખોળ ચાલુ છે. આરોપીઓની ધરપકડ થયા બાદ પોલીસ દ્વારા તેમના નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.
આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. બનાવની જાણ થતા જ નારોલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા જમાઈને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. હત્યા પાછળ કયા ચોક્કસ કારણો જવાબદાર છે અને અન્ય કોઈ અંગત અદાવત છે કે કેમ, તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.*
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
