<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

દહેજની ફાર્મા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ: આખું આકાશ કાળા ધુમાડાથી છવાયું, ૩ કામદારો ગંભીર રીતે દાઝ્યા

'એલિવસ લાઈફ સાયન્સ'માં કેમિકલ પ્રોસેસ દરમિયાન સર્જાઈ દુર્ઘટના; ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ ઠારી, ઈજાગ્રસ્તો ભરૂચ હોસ્પિટલ ખસેડાયા

દહેજ/ભરૂચ: ગુજરાતના ઔદ્યોગિક હબ ગણાતા ભરૂચના દહેજમાં ફરી એકવાર ઉદ્યોગની સુરક્ષા સામે સવાલ ઉભા કરતી આગની ઘટના બની છે. દહેજ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ) માં આવેલી 'Alivus Life Sciences Limited' નામની જાણીતી ફાર્માસ્યુટિકલ કંપનીમાં રવિવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપનીના ઉત્પાદન વિભાગમાં કેમિકલ પ્રોસેસ ચાલી રહી હતી ત્યારે એકાએક પ્રચંડ ધડાકો થયો હતો અને જોતજોતામાં આગની જ્વાળાઓએ આખા પ્લાન્ટને લપેટમાં લઈ લીધો હતો. આ દુર્ઘટનામાં પ્લાન્ટમાં કામ કરી રહેલા ૩ કામદારો ગંભીર રીતે દાઝી જતાં આખા સંકુલમાં ચીસાચીસ મચી ગઈ હતી.

આગ એટલી વિકરાળ હતી કે દહેજ ઔદ્યોગિક વિસ્તારના આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂરથી જોઈ શકાતા હતા. ઘટનાની જાણ થતાં જ દહેજ અને આસપાસની કંપનીઓના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે વોટર કેનન અને ફોમનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને વધુ ફેલાતી અટકાવી કાબૂમાં લીધી હતી. ઈજાગ્રસ્ત ત્રણેય કામદારોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

દુર્ઘટના બાદ ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ વિભાગની ટીમ પણ તપાસ માટે દોડી આવી છે. પ્રાથમિક અંદાજ મુજબ, કેમિકલ રિએક્શન અથવા શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોઈ શકે છે. કંપનીના પ્લાન્ટમાં ફાયર સેફ્ટીના સાધનો કાર્યરત હતા કે નહીં અને સુરક્ષાના કયા પ્રોટોકોલનું ઉલ્લંઘન થયું છે તે અંગે હવે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. રવિવારની રજા હોવાથી કંપનીમાં કામદારોની સંખ્યા ઓછી હતી, અન્યથા મોટી જાનહાનિ થવાની ભીતિ હતી. હાલમાં પ્લાન્ટમાં કુલિંગની કામગીરી પૂર્ણ કરી તેને સીલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

(11:48 AM IST)