<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

હાઈવે પર મોતનું તાંડવ: આમોદ-જંબુસર રોડ પર ચાલતું ટેન્કર બન્યું 'ફાયર બોલ', આકાશમાં ધુમાડાના ગોટેગોટા!

બત્રીસી નાડા ગામ પાસે જ્વલનશીલ પદાર્થ ભરેલું ટેન્કર ભડભડ સળગ્યું; ફાયર ફાઈટરોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ

ભરૂચ: ભરૂચ જિલ્લાના આમોદ-જંબુસર નેશનલ હાઈવે 64 પર આજે મધબપોરે હૃદયથંભાવી દે તેવા દ્રશ્યો સર્જાયા હતા. હાઈવે પર પૂરઝડપે દોડતું એક ટેન્કર અચાનક જીવતા જાગતા 'અગનગોળા'માં ફેરવાઈ જતાં સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ હતી. બત્રીસી નાડા ગામ નજીક જ્યારે આ ઘટના બની ત્યારે ટેન્કરમાંથી નીકળતી ઊંચી જ્વાળાઓ અને કાળા ડિબાંગ ધુમાડાએ આકાશને ઘેરી લીધું હતું. આ દ્રશ્ય એટલું ભયાનક હતું કે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને લોકોએ પોતાના વાહનો થંભાવી જીવ બચાવવા સુરક્ષિત અંતરે દોડ મૂકી હતી.

જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે ટેન્કરનું લોખંડી માળખું પણ પીગળવા લાગ્યું હતું. ટેન્કરમાં જ્વલનશીલ પદાર્થ હોવાને કારણે વિસ્ફોટ થવાનો ડર સતાવી રહ્યો હતો, જેના કારણે હાઈવે પરનો વાહનવ્યવહાર લાંબો સમય સુધી ઠપ્પ થઈ ગયો હતો. ઘટનાની ગંભીરતા જોતા આમોદ અને આસપાસના વિસ્તારનો ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ જીવના જોખમે સતત પાણીનો મારો ચલાવી કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.

સદનસીબે, આ ભીષણ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. ટેન્કર ચાલકે સમયસૂચકતા વાપરી સળગતા ટેન્કરમાંથી કૂદી જતાં તેનો આબાદ બચાવ થયો છે. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે, પરંતુ ટેન્કરમાં કયો પદાર્થ હતો અને આગ લાગવાનું સચોટ કારણ શું છે તે જાણવા માટે તંત્રએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(2:56 PM IST)