<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

બનાસકાંઠામાં અશ્વોની હણહણાટી અને દિલધડક કરતબો જોવાયા :જસરામાં પાંચ દિવસીય અશ્વમેળાનું ભવ્ય સમાપન

શિવરાત્રિના પર્વે હજારોની સંખ્યામાં ઉમટેલી જનમેદની વચ્ચે અશ્વોના દિલધડક શો અને વિવિધ સ્પર્ધાઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા :કરોડોની કિંમતના અશ્વો નિહાળવા રાજસ્થાનથી પણ લોકો ઉમટ્યા

બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામે અશ્વોની હણહણાટી અને સાહસિક કરતબો સાથે પાંચ દિવસીય ભવ્ય અશ્વમેળાનું ભવ્ય સમાપન થયું છે. ગુજરાત સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના વિશેષ સહયોગથી આયોજિત આ મેળાએ રણપ્રદેશના સીમાવર્તી વિસ્તારમાં અશ્વ સંસ્કૃતિને નવું જોમ અને વૈશ્વિક ઓળખ પૂરી પાડી છે. શિવરાત્રિના પર્વે હજારોની સંખ્યામાં ઉમટેલી જનમેદની વચ્ચે અશ્વોના દિલધડક શો અને વિવિધ સ્પર્ધાઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

 

જસરા જેવા નાનકડા ગામમાં વર્ષ 2012માં ખૂબ જ નાના પાયે શરૂ થયેલો આ અશ્વમેળો આજે 15 વર્ષના સફળ સફર બાદ ગુજરાતનો સૌથી મોટો અશ્વમેળો બની ગયો છે. શ્રી બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા આયોજિત આ 15માં અશ્વમેળાનો પ્રારંભ મહાશિવરાત્રિના પવિત્ર દિવસે મહાદેવના મંદિરે ધજા ચડાવીને કરવામાં આવ્યો હતો. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય લુપ્ત થતી અશ્વ સંસ્કૃતિને જીવંત રાખવાનો અને નવા અશ્વ પાલકોને પ્રોત્સાહન આપવાનો છે.

 

આ વર્ષના મેળામાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાંથી 800થી વધુ અશ્વ સવારો અને માલિકો પોતપોતાના અશ્વો સાથે પહોંચ્યા હતા. મેળામાં ખાસ કરીને મારવાડી અને કાઠિયાવાડી નસ્લના ઉત્તમ ઘોડાઓ જોવા મળ્યા હતા, જેમાંથી કેટલાંક અશ્વોની કિંમત કરોડોમાં આંકવામાં આવે છે. મિસિસ ઇન્ડિયા સિદ્ધિ ઝોહરી, જેઓ છેલ્લા ત્રણ વર્ષથી આ મેળાની મુલાકાત લે છે, તેમણે જણાવ્યું કે અહીં જોવા મળતી વિવિધ નસ્લો અને તેમની શક્તિ ખરેખર અદ્ભુત છે.

 

પાંચ દિવસીય આ મેળામાં અનેક સાહસિક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 40 કિલોમીટરની લાંબી 'એન્ડ્યુરન્સ રેસ' (સહનશક્તિ દોડ), ગુજરાત પોલીસના અશ્વદળ દ્વારા પ્રદર્શિત કરાયેલ 'ટેન્ટ પેંગિંગ' અને 'જમ્પિંગ શો' એ દર્શકોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. આ ઉપરાંત 'પાટીદોડ' (અતિ જોખમી રેસ), અશ્વ નાચ, મટકી ફોડ, અને રેવાળ ચાલ જેવી પરંપરાગત સ્પર્ધાઓએ ગ્રામીણ જનતાને મંત્રમુગ્ધ કરી દીધી હતી. અશ્વની સાથે સાથે કેમલ શો (ઊંટ) અને ડોગ શો પણ આ વખતે આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.

 

આ અશ્વમેળાને નિહાળવા માટે બનાસકાંઠા અને આસપાસના 100થી વધુ ગામોના લાખો લોકો ઉમટી પડ્યા હતા, જેને કારણે મેળાના મેદાનમાં હૈયાથી હૈયું દળાય તેવી ભીડ જોવા મળી હતી. ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરે પ્રથમવાર આ મેળાની મુલાકાત લઈ અશ્વ પાલકોની મહેનતને બિરદાવી હતી. આયોજક મહેશ દવેએ જણાવ્યું હતું કે, આ મેળો હવે માત્ર એક મનોરંજનનું સાધન નથી, પરંતુ અશ્વ સંસ્કૃતિનું એક મોટું પ્લેટફોર્મ બની ગયું છે, જ્યાં રાજસ્થાનથી આવેલા અર્જુન દેવાશી જેવા અનેક લોકો અશ્વોની વિવિધતા જોઈને પ્રભાવિત થયા છે.

(7:33 PM IST)