<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

' જો કોઈ દહેજ માટે દબાણ કરે તો મને માત્ર એક ફોન કરજો ': સુરતમાં 'હલ્દી કુમકુમ' કાર્યક્રમમાં મંત્રી સી.આર. પાટીલે દહેજ મુક્તિનો કડક સંદેશ આપ્યો

તેમણે 'સુકન્યા સમૃદ્ધિ યોજના'ના લાભો સમજાવી ગર્ભ પરીક્ષણ અટકાવવા અપીલ કરી: પાટીલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે દહેજ માંગનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને સંસ્કારી સમાજનું નિર્માણ થશે.

સુરતના ઉધના વિસ્તારમાં ભવ્ય 'હલ્દી કુમકુમ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત સરકારના જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં મહિલાઓ અને સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા. મંત્રી સી.આર. પાટીલે દીકરીઓના મહત્વ, ભ્રૂણ હત્યા નિવારણ અને દહેજ જેવી સામાજિક બદીઓ દૂર કરવા માટે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું.

પોતાના સંબોધનમાં મંત્રી સી.આર. પાટીલે ભાવુક થઈને જણાવ્યું કે, "જ્યારે ઘરમાં દીકરીનો જન્મ થાય છે, ત્યારે પિતાના ચહેરા પર એક અલગ જ સ્મિત હોય છે. જો દીકરો પિતા માટે પાણી લાવે તો આનંદ થાય, પણ જો દીકરી પાણીનો લોટો લઈને આવે તો પિતાનું મન તૃપ્ત થઈ જાય છે." તેમણે સમાજમાં ઘટતી જતી દીકરીઓની સંખ્યા પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, એક સમયે 1000 દીકરાઓ સામે માત્ર 800 દીકરીઓ હતી, જે હવે વધીને 950 સુધી પહોંચી છે, પરંતુ હજુ પણ આપણે મંજિલ દૂર છે. તેમણે ગર્ભ પરીક્ષણ અટકાવવા અને દીકરીને જન્મ લેવા દેવા માટે ભારપૂર્વક અપીલ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી 'સુકન્યા સમૃદ્ધિ યોજના' વિશે માહિતી આપતા મંત્રીએ જણાવ્યું કે, સુરતમાં આપણે આ યોજના હેઠળ 44,000 થી વધુ ખાતાઓ ખોલાવ્યા છે. તેમણે ઉમેર્યું કે, "જો તમે વર્ષે 16 હજાર રૂપિયા જમા કરો છો, તો દીકરી મોટી થાય ત્યારે તેને અંદાજે 65 હજાર જેટલી રકમ મળી શકે છે. મારો દીકરો પણ પોતાની દીકરીના નામે આ ખાતામાં પૈસા જમા કરાવે છે." આ યોજના દીકરીના શિક્ષણ અને લગ્ન સમયે આર્થિક બોજ ઘટાડવામાં પિતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

દહેજ અંગે કડક સંદેશ આપતા મંત્રી સી.આર પાટીલે કહ્યું કે, દહેજને કારણે ભૂતકાળમાં ઘણી દીકરીઓના લગ્ન અટકી જતા હતા અને પિતા દેવાદાર બની જતા હતા. તેમણે જાહેર કર્યું કે, "જે છોકરો કે સાસરી પક્ષ દહેજ માંગે, તેને દીકરી આપવાનું ના પાડો. માત્ર સંસ્કાર જોઈને સંબંધ કરો. જો કોઈ દહેજ માટે દબાણ કરે તો મને માત્ર એક ફોન કરજો, બાકીનું કામ પોલીસ અને  પ્રશાસન જોઈ લેશે." તેમણે પોતાનો જૂનો સંકલ્પ પણ વાગોળ્યો કે તેઓ દહેજ લેનારના લગ્નમાં ક્યારેય હાજરી આપતા નથી, જેને કારણે હવે અનેક યુવાનો દહેજ વગર લગ્ન કરતા થયા છે.

 

(9:27 PM IST)