તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th February 2026
સુરતમાં વિકાસનો નવો અધ્યાય શરૂ :વેસુમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરોડોના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત
વેસુમાં PMAY-U 2.0 હેઠળ 81 પરિવારોના ઘરનું ખાતમુહૂર્ત: 3.24 કરોડના ખર્ચે તૈયાર થશે આધુનિક આવાસ: વર્ષ 2029 સુધીમાં ગુજરાતમાં 2.5 લાખ નવા ઘરો બાંધવાનો મંત્રીનો સંકલ્પ

સુરત : કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં સુરતમાં વિકાસના બે મહત્વના પ્રકલ્પો સાકાર થયા છે. પ્રથમ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 (PMAY-U 2.0) અંતર્ગત વેસુ વિસ્તારમાં આવાસ નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જ્યારે બીજા કાર્યક્રમમાં ઓલપાડ ખાતે નવીન પેટ્રોલ પમ્પનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સુરત મહાનગરપાલિકાના સાઉથ વેસ્ટ ઝોનમાં આવેલા વેસુ વિસ્તારમાં બેનિફિશિયરી લીડ કન્સ્ટ્રક્શન ઘટક હેઠળ 81 ઘરોના નિર્માણ માટે સામૂહિક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજે 3.24 કરોડ રૂપિયા ના ખર્ચે તૈયાર થનારા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા વર્ગો (EWS) અને ઓછી આવક ધરાવતા જૂથો (LIG) ને સ્થાયી નિવાસ પૂરો પાડવાનો છે.
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, "PMAY 2.0 યોજના દ્વારા સુરત જેવા વિકસતા શહેરમાં 10 લાખથી વધુ લોકોને ઘરનું ઘર મળશે. વર્ષ 2029 સુધીમાં દેશભરમાં 1 કરોડ અને ગુજરાતમાં 2.5 લાખ આવાસ બનાવવાનું લક્ષ્ય છે." આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર નીલાબેન પંચાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
વધુમાં, મંત્રીએ ઓલપાડ-સુરત હાઈવે પર સ્થિત VR પેટ્રોલ પમ્પનું ઉદ્ઘાટન કર્યું હતું. આશરે 2 કરોડ રૂપિયાના રોકાણ સાથે શરૂ થયેલો આ પ્રોજેક્ટ સ્થાનિક સ્તરે 20 થી વધુ રોજગારીની તકો પૂરી પાડશે.
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
