<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

મહેસાણાના અગોલ ગામમાં તાલુકા સદસ્યના ભત્રીજાના ખતના પ્રસંગે વરઘોડામાં ચલણી નોટોનો ભારે વરસાદ

ગામના મુખ્ય ચોકમાં નોટો ઉડતા જ યુવકો અને બાળકોમાં તે મેળવવા પડાપડી થઈ:અગાઉ પણ ચર્ચામાં રહેલા આ ગામનો આ નવો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ

મહેસાણા:કડી તાલુકાના અગોલ ગામમાં ફરી એકવાર રુપિયાના પ્રદર્શનનો નજારો જોવા મળ્યો છે. અહીં એક ખતના પ્રસંગ નિમિત્તે નીકળેલા વરઘોડામાં આકાશમાંથી ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો.આરોપ છે કે ભાજપના તાલુકા પંચાયત સદસ્ય ઝૂલેખાબેન ઇદરેશભાઈના ભત્રીજાના આ પ્રસંગમાં ગ્રામજનો અને મહેમાનોની હાજરીમાં લાખોની ચલણી નોટો હવામાં ઉડાડવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ભવ્ય વરઘોડો જ્યારે અગોલ ગામના મુખ્ય ચોકમાં પહોંચ્યો, ત્યારે મકાનોની છત પરથી ચલણી નોટોનો વરસાદ શરૂ કરવામાં આવ્યો હતો. ડીજેના (DJ) તાલે ઝૂમતા લોકો વચ્ચે નોટો ઉડતા જ આખા વાતાવરણમાં શોરબકોર મચી ગયો હતો.

 

 

જેવી નોટો હવામાં ઉડવાનું શરૂ થયું, કે તરત જ નીચે ઉભેલા સ્થાનિક યુવકો અને બાળકોમાં નોટો ઝડપી લેવા માટે પડાપડી  થઈ હતી. મોટી સંખ્યામાં એકત્ર થયેલા લોકો એકબીજા પર પડતા જોવા મળ્યા હતા, જેના કારણે થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ માહોલમાં અનેક લોકોએ ગજવામાં નોટો ભરી હતી, જ્યારે રસ્તા પર પડેલી નોટો વીણવા માટે પડાપડીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. હાલ આ ઘટના વિવાદસ્પદ બની છે.

 

નોંધનીય છે કે, અગોલ ગામ અગાઉ પણ આવા નોટોના વરસાદ માટે ચર્ચાનું કેન્દ્ર બની ચૂક્યું છે. ભૂતકાળમાં પણ એક પરિવારમાં યોજાયેલા લગ્ન પ્રસંગોમાં આવી જ રીતે લાખોની નોટો ઉડાડવામાં આવી હતી. હાલમાં આ તાજી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ ઘટનાને લઈને મિશ્ર પ્રતિભાવો આપી રહ્યા છે; કેટલાક તેને રજવાડી ઠાઠ ગણાવી રહ્યા છે તો કેટલાક તેને નાણાંનો બગાડ ગણાવી રહ્યા છે.

 

(10:29 PM IST)