<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

મહુડી જૈન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પાયાવિહોણા આરોપોનો પુરાવા સાથે જવાબ આપ્યો: ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિઓ દ્વારા ટ્રસ્ટની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ: ૬૫ કિલો સોનાની ચોરીનો આક્ષેપ પોલીસ તપાસમાં ખોટો સાબિત થયો

અમદાવાદ: શ્રી મહુડી (મધુપુરી) જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ટ્રસ્ટ સંઘના ૮ ટ્રસ્ટીઓ અને સંકળાયેલા પરિવારોના પ્રતિનિધિઓએ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને તેમના પર લાગેલા આરોપોનું ખંડન કર્યું હતું. ટ્રસ્ટીઓએ સ્પષ્ટતા કરી હતી કે અંકિત મહેતા અને જયેશ મહેતાને તેમના ગુનાહિત ભૂતકાળને ધ્યાનમાં રાખીને સંઘના સભ્યપદેથી બરતરફ કરવામાં આવ્યા છે. આ વ્યક્તિઓ ખોટી ઓળખ આપીને ભક્તોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે.

ટ્રસ્ટીઓએ વધુમાં જણાવ્યું કે ૨૦૧૨માં પૂર્વ ટ્રસ્ટી રશ્મિભાઈ મહેતાએ કમિશન લેતા પકડાવા બદલ રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ તેમના પરિવારે બદલો લેવાની ભાવનાથી ૬૫ કિલો સોનાની ચોરીની ખોટી ફરિયાદ માણસા પોલીસમાં કરી હતી, જે તપાસમાં રદ કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૩માં ભંડારમાંથી ચોરી કરતા નિલેશ અને સુનિલ મહેતા સીસીટીવી કેમેરામાં ઝડપાયા હતા, જેઓ અંકિત અને જયેશ મહેતાના સંબંધીઓ છે. આ કાર્યવાહીના રોષમાં આવીને ટ્રસ્ટને બદનામ કરવાના પાયાવિહોણા પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું. ટ્રસ્ટે ભક્તોને વિનંતી કરી છે કે તેઓ આવી અફવાઓ પર ધ્યાન ન આપે અને પવિત્ર તીર્થની ગરિમા જાળવી રાખે.

(9:57 AM IST)