<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

જાણીતા સાહિત્યકાર અને કવિ નીતિન વડગામાના કાવ્યસંગ્રહ 'એકાકાર' ને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક : ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાશે એવોર્ડ અર્પણ સમારોહ

નીતિનભાઈના સર્જનમાં એક ગહનતા છે - પૂ. મોરારીબાપુ : વર્ષ ૨૦૨૪ ના શ્રેષ્ઠ પુસ્તકોની શ્રેણીમાં રાજકોટના સર્જકે મેળવ્યું સર્વોચ્ચ સ્થાન : ૨૦ ફેબ્રુઆરીએ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એનાયત થશે સન્માન

રાજકોટ : ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્યના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા સર્જકોને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે પારિતોષિકો એનાયત કરવામાં આવે છે. આ વર્ષે જાહેર થયેલા પરિણામોમાં કવિ નીતિન વડગામાના ૨૦૨૪ માં પ્રકાશિત થયેલા ગઝલ અને કાવ્યસંગ્રહ 'એકાકાર' ને પ્રથમ ઇનામ માટે પસંદ કરવામાં આવ્યો છે. આ સમાચારથી સાહિત્ય જગતમાં આનંદની લહેર ફેલાઈ ગઈ છે.

રાજકોટના જાણીતા સાહિત્યકાર અને કવિ નીતિન વડગામા માટે ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૪ માટેના શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિકોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં નીતિન વડગામાના કાવ્યસંગ્રહ 'એકાકાર' ને પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. આ પ્રતિષ્ઠિત સન્માન માટે આગામી ૨૦ ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીના હસ્તે સન્માન:

આ પારિતોષિક અર્પણ કરવાનો સમારોહ ૨૦ ફેબ્રુઆરીના રોજ ગાંધીનગરના સેક્ટર-૯ માં આવેલી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ખાતે રાખવામાં આવ્યો છે. સાંજે ૪.૦૦ કલાકે યોજાનારા આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે અને તેમના હસ્તે જ નીતિન વડગામાને આ ગૌરવશાળી પુરસ્કાર અર્પણ કરવામાં આવશે.

પૂર્વેના સન્માનો અને સિદ્ધિઓ:
નીતિન વડગામા માટે આ કોઈ પ્રથમ સિદ્ધિ નથી. આ અગાઉ પણ તેમના વિવેચનગ્રંથ 'કલ્પનઃ વિભાવના અને વિનિયોગ' તેમજ 'કાવ્યચર્યા' ને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શ્રેષ્ઠ પુસ્તક તરીકે પુરસ્કૃત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમને સાહિત્ય જગતના અન્ય પ્રતિષ્ઠિત એવોર્ડ જેવા કે 'શૂન્ય પાલનપુરી ગઝલ એવોર્ડ', 'હરીન્દ્ર દવે એવોર્ડ' અને 'દર્શક સાહિત્ય સન્માન' પણ પ્રાપ્ત થઈ ચૂક્યા છે.

પૂ. મોરારિબાપુનો પ્રતિભાવ:
નીતિન વડગામાની સર્જકતા વિશે જાણીતા રામકથાકાર પૂ. મોરારિબાપુએ પણ વિશેષ ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે નીતિનભાઈના સર્જનમાં એક ગહનતા છે, જે અત્યંત સરળ હોવાની સાથે સૌના જીવનમાં ઉપયોગી રસ જન્માવે છે. તેમનો આ કાવ્યસંગ્રહ વ્યાસપીઠ પરથી પણ પ્રશંસા પામ્યો છે. રાજકોટ અને સમગ્ર ગુજરાતના સાહિત્યપ્રેમીઓ દ્વારા આ અવસરે તેમને સોશિયલ મીડિયા અને રૂબરૂ મળીને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

(11:09 AM IST)