<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

અમદાવાદ- ઉદેપુર વચ્‍ચે વંદે ભારત ટ્રેન પ્રારંભઃ અઠવાડિયામાં ૬ દિ' દોડશે

નરહરિ અમીન, દિનેશ મકવાણા, પ્રતિભાબેનની હાજરીમાં લીલીઝંડી

અમદાવાદ- ઉદેપુર નવી વંદેભારત ટ્રેન સેવાના પ્રારંભ પ્રસંગે નરહરિ અમીન, દિનેશ મકવાણા, પ્રતિભાબેન જૈન વગેરે ઉપસ્‍થિત રહયા હતા.

રાજકોટ તા.૧૭: ઉદયપુર-અસારવા વંદે ભારત એક્‍સપ્રેસ (૦૯૬૬૩) નું રાજ્‍યસભા સાંસદ શ્રી નરહરિ અમીન, શ્રી દિનેશભાઈ મકવાણા (સંસદસભ્‍ય, અમદાવાદ-પૂર્વ). શ્રીમતી પ્રતિભાબેન જૈન (મેયર, અમદાવાદ મહાનગર પાલિકા), ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી વેદ પ્રકાશ, એડિશનલ ડી આર એમ મંજુબેન મીણા દ્વારા અસારવા અમદાવાદ રેલવે સ્‍ટેશન પર ઉદઘાટન કરવામાં આવ્‍યું.

ગુજરાતને રાજસ્‍થાન સાથે જોડતી વંદે ભારત ટ્રેનની લાંબા સમયથી માંગ હતી. ભારત સરકાર દ્વારા તેને પૂર્ણ કરતા આ નવી છઠ્ઠી વંદે ભારત ટ્રેન સેવા ઉપલબ્‍ધ થઈ છે, જે મંગળવાર સિવાય સપ્તાહના છ દિવસ ચાલશે. ટ્રેન ઉદયપુર થી સવારે ૬:૧૦ વાગે ઉપડીને અસારવા સવારે ૧૦:૨૫ વાગે પહોંચશે અને તે જ દિવસે સાંજે ૫:૪૫ વાગે અસારવાથી ઉપડીને રાત્રે ૧૦:૦૦ વાગે ઉદયપુર પહોંચશે.

આ વંદે ભારત ટ્રેનમાં ૧ એસી એક્‍ઝિકયુટિવ ચેર કાર અને ૭ એસી ચેર કાર કોચ હશે. જેની ક્ષમતા કુલ ૬૦૨ બેઠકોની (૫૬ બેઠકો એક્‍ઝિકયુટિવ ક્‍લાસ અને ૭૮ બેઠક દરેક ચેર કાર) છે. અસારવા થી ઉદયપુર નું ભાડું રૂપિયા ૧૦૬૫ ચેર કાર માટે અને રૂપિયા ૧૮૭૫ એક્‍ઝિકયુટિવ ક્‍લાસ માટે છે. ટ્રેન અસારવાથી ઉપડીને હિંમતનગર, ડુંગરપુર, ઝાવર થઈને ઉદેપુર જશે. ગુજરાતને મળેલ આ છઠ્ઠી વંદે ભારત ટ્રેનની સાથે હવે દેશમાં કુલ ૧૫૮ વંદે ભારત ટ્રેનનું સંચાલન થઈ રહ્યું છે.

(2:11 PM IST)