<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

રાજપીપળા જૂની સિવિલમાં કાર્યરત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાન જર્જરિત હોવાથી આગલો પ્રવેશ બંધ

આગળના ભાગે તાળા મારતા દર્દીઓ પરત ફરતા જોવા મળ્યા, જોકે પાછલા બારણે અંદર જવાઈ છે પરંતુ કોઈ સૂચના નહીં હોવાથી દર્દીઓ હેરાન

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાની વડી સિવિલ હોસ્પિટલ ઘણી દૂર લઈ જવાતા દર્દીઓને રિક્ષા ભાડું મોંઘું પડતું હતું જેના કારણે દર્દીઓ ખાનગી દવાખાનામાં જતા હતા ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુની સિવિલમાં શરૂ થયું અને ત્યાંની સારવાર પણ સારી હોવાથી દર્દીઓ ત્યાં જતા થયા હતા પરંતુ જુની સિવિલનું મકાન ખૂબ જર્જરિત હોવાથી પીઆઇયુ દ્વારા હાલમાં આગળ ના દરવાજા પર તાળુ મારી ત્યાં ચેતવણીનુ બોર્ડ મૂકતા દર્દીઓ હેરાન થાય છે.
    મળતી માહિતી મુજબ રાજપીપળા જૂની સિવિલમાં આરોગ્ય શાખા દ્વારા કાર્યરત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્થાનિક દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે પરંતુ આ મકાન જર્જરિત હોય ક્યારેક કોઈ મોટી દુર્ઘટના બનવાની શક્યતા ના કારણે પીઆઇયુના ઇજનેરના હુકમ બાદ આરોગ્ય કેન્દ્રનો આગળનો દરવાજો બંધ કરી ત્યાં નીચે મુજબની ચેતવણીનુ બોર્ડ મારવામાં આવ્યું જેમાં આ મકાન ભયજનક હોય, કોઈ પણ વ્યક્તિએ અંદર પ્રવેશ કરવો નહીં, અને જો કોઈ ગેરકાયદેસર અંદર પ્રવેશ કરતા માલુમ પડશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમ પીઆઇયુ વિભાગના અધિકારીએ સૂચના આપતા જુની સિવિલ માં બોર્ડ મારી તાળું માર્યું છે. જેના કારણે આગળ તાળું જોઈ ત્યાં આવતા દર્દીઓ પરત ફરતા જોવા મળે છે. અને ન છુટકે રિક્ષા ભાડું ખર્ચી નવી સિવિલમાં અથવા ખાનગી દવાખાનામાં જવા મજબૂર બન્યા છે.
   જોકે આરોગ્ય કેન્દ્ર ના પાછળનો પાછળનો ગેટ ખુલ્લો છે ત્યાંથી દર્દીઓ અંદર પ્રવેશ કરી સારવાર કરાવી શકે છે પરંતુ કેટલાક અજાણ દર્દીઓ તાળું જોઈ પાછા ફરે છે માટે તંત્રએ તાળું મારેલા આગલા ગેટ પર પાછળ થી પ્રવેશ ચાલુ છે તેવું બોર્ડ મારે તો દર્દીઓ સારવાર કરાવી શકે

(10:26 PM IST)