તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૪ મંગળવાર
News of Wednesday, 18th February 2026
આણંદના ઉમરેઠમાં શિક્ષણ જગતને લાંછન : વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરનાર શિક્ષક વિરમ દેસાઈની ધરપકડ: અન્ય ચાર બાળકો સાથે પણ અશોભનિય વર્તન

આણંદના ઉમરેઠ ખાતે શિક્ષણ જગતને લાંછન લગાડતી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં વિકૃત માનસિકતા ધરાવતા શિક્ષકે બાળાઓ સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો આક્ષેપ છે.
શાળાને વિદ્યાનું મંદિર માનવામાં આવે છે, પરંતુ આણંદ જિલ્લાના ઉમરેઠમાં એક શિક્ષકે આ પવિત્ર સંબંધને લજવતું કૃત્ય કર્યું છે. ઉમરેઠની એક શાળામાં ફરજ બજાવતા ૪૪ વર્ષીય શિક્ષક વિરમ દેસાઈએ વર્ગખંડમાં જ બાળિકાઓ સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. માત્ર એટલું જ નહીં, અન્ય ચાર બાળકો સાથે પણ તેણે અશોભનિય વર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આરોપી શિક્ષકે બાળકોને મોબાઈલમાં અશ્લીલ વીડિયો પણ બતાવ્યા હતા. આ વિગતો બાળકો દ્વારા તેમના માતા-પિતાને જણાવવામાં આવતા વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.
રોષે ભરાયેલા વાલીઓએ શાળા પર પહોંચીને હોબાળો મચાવ્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપી વિરમ દેસાઈ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ શિક્ષક છેલ્લા ત્રણ માસથી જ આ શાળામાં ફરજ બજાવતો હતો. તે મૂળ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના છભૌ ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને આવા વિકૃત માનસિકતા ધરાવતા શિક્ષક સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા પણ આ મામલે તપાસના આદેશ આપવામાં આવે તેવી શક્યતા છે.*
(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
