તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th February 2026
વર્ષ ૨૦૨૬-૨૭ની કરવેરા દરખાસ્તો : સામાન્ય જનતા, ખેડૂતો અને વેપારીઓ માટે રાહતના દ્વાર ખૂલ્યા : જીએસટી દરમાં ધરખમ ઘટાડાથી રાજ્યની જનતાને વાર્ષિક ૧૧,૦૦૦ કરોડનો મોટો ફાયદો
ઈલેક્ટ્રિક વાહનો પર ૧ ટકા ટોકન ટેક્સની સમયમર્યાદામાં એક વર્ષનો વધારો : જામનગર બાદ હવે આણંદ, ભરૂચ અને મોરબી સહિતના શહેરોમાં જીએસટી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ઘર આંગણે વધુ સરળ બનશે

ગાંધીનગર, તા. 18 : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'રિફોર્મ એક્સપ્રેસ' (Reform Express) ના રોડમેપને વેગ આપતા, ગુજરાત સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં કરવેરાના ક્ષેત્રે ઐતિહાસિક અને પ્રજાલક્ષી નિર્ણયોની જાહેરાત કરી છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર ટેક્સમાં મોટી રાહત અને જીએસટી કાયદાના સરળીકરણ થકી 'ઇઝ ઓફ લિવિંગ' અને 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ'ને પ્રોત્સાહન આપવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ સુધારાઓના પરિણામે રાજ્યના નાગરિકોને વાર્ષિક અંદાજે રૂ. ૧૧,૦૦૦ કરોડ જેટલી જીએસટી વેરાની બચત થશે.
GST 2.0 અને વહીવટી સરળીકરણ:
સપ્ટેમ્બર ૨૦૨૫માં યોજાયેલી ૫૬મી GST કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણયો મુજબ, રાજ્યમાં 'GST 2.0' ના અમલીકરણથી નાના વેપારીઓ અને મધ્યમ ઉદ્યોગોને મોટી રાહત મળી છે. ખાસ કરીને કરદાતાઓની વર્કિંગ કેપિટલ બ્લોક ન થાય તે હેતુથી જોખમના આધારે મેન્યુઅલ વેરિફિકેશનના બદલે સિસ્ટમ આધારિત વેરિફિકેશન પર ભાર મૂકવામાં આવ્યો છે.
વેપારીઓની સુવિધા માટે જીએસટી રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં મોટો ફેરફાર કરાયો છે. અગાઉ જામનગરના વેપારીઓને બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જૂનાગઢ જવું પડતું હતું, જે હવે ૨૬ જાન્યુઆરી ૨૦૨૬થી જામનગર ખાતે જ અઠવાડિયામાં બે દિવસ ઉપલબ્ધ કરાવાયું છે. આ સુવિધાનો વ્યાપ વધારીને આગામી સમયમાં આણંદ, ભરૂચ, મોરબી, સુરેન્દ્રનગર, ભુજ અને પાટણ ખાતે પણ આવી વ્યવસ્થા ઊભી કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.
ગ્રીન ગ્રોથ - ઈલેક્ટ્રિક વાહનો પર રાહત યથાવત:
પર્યાવરણની જાળવણી અને 'ગ્રીન ગ્રોથ'ની સંકલ્પનાને સાકાર કરવા માટે સરકારે ઈલેક્ટ્રિક વાહનો (EV) પર અપાતી રાહત લંબાવવાનો નિર્ણય કર્યો છે. અગાઉના બજેટમાં જાહેર કર્યા મુજબ, સંપૂર્ણપણે ઈલેક્ટ્રિક બેટરીથી ચાલતા વાહનો પર ૬% ઉચ્ચક વાહન વેરા સામે ૫% રીબેટ આપીને અસરકારક વેરો માત્ર ૧% રાખવામાં આવ્યો હતો. આ રાહતની એક વર્ષની સમયમર્યાદા પૂર્ણ થતી હોવાથી, પર્યાવરણના હિતમાં આ સબસિડીયુક્ત વેરા દરને વધુ એક વર્ષ માટે લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે.
સામાન્ય માનવી અને ખેડૂતોને સીધો લાભ:
બજેટની દરખાસ્તોમાં ખેતી અને સામાન્ય જનતાને સ્પર્શતી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પરના ટેક્સ માળખાને વધુ તર્કસંગત બનાવવામાં આવ્યું છે. આ ફેરફારોથી ખેડૂતોને ખેતીના સાધનો અને જરૂરી સામગ્રીમાં નાણાકીય બચત થશે, જ્યારે સામાન્ય પરિવારોને મોંઘવારીના મોરચે મોટી રાહત મળી રહેશે. રાજ્ય સરકારના આ નિર્ણયોથી આગામી સમયમાં ગુજરાતના આર્થિક અને સામાજિક માળખામાં સકારાત્મક પરિવર્તન આવશે તેવું માનવામાં આવી રહ્યું છે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
