News of Wednesday, 18th February 2026
ગુજરાતનું અંદાજપત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “વિકસિત ભારત @ ૨૦૪૭”ના સંકલ્પને વધુ દ્રઢતા સાથે આગળ ધપાવશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી
કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ માટે રૂ. ૨૪,૦૨૨ કરોડની જોગવાઈ અન્નદાતાના સશક્તિકરણને વેગ આપશે:ગત વર્ષ કરતા રૂ. ૧૭૩ કરોડના વધારા સાથે કૃષિ યાંત્રિકીકરણ માટે રૂ. ૧,૫૦૦ કરોડથી વધુની જોગવાઈ:પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ સ્ટ્રક્ચરના માપને વધારીને ૬૦૦ ચો. ફૂટ કારાયું; સહાય પણ બમણી કરીને રૂ. ૨ લાખ કરાઈ: પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં બમણો વધારો કરીને કુલ રૂ. ૧૨૦ કરોડની જોગવાઈ: રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા રૂ. ૩૯૨ કરોડ ફાળવવામાં આવ્યા: જીતુભાઇ વાઘાણી

ગાંધીનગર :ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૬-૨૭ના અંદાજપત્રને આવકારતા કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આજે રજૂ થયેલું ગુજરાતનું અંદાજપત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “વિકસિત ભારત @ ૨૦૪૭”ના સંકલ્પને વધુ દ્રઢતા સાથે આગળ ધપાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ નાણા મંત્રી શ્રી કનુભાઈએ આજે રૂ. ૪,૦૮,0૫૩ કરોડનું વિક્રમી બજેટ રજૂ કર્યું છે.
“જ્યાં માનવી, ત્યાં સુવિધા”ના સંકલ્પ સાથે રજૂ કરાયેલા ગુજરાતના અંદાજપત્રમાં કૃષિ, આરોગ્ય, શિક્ષણ, માળખાકીય સુવિધાઓ, રોડ-રસ્તા સહિતના દરેક ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેના પરિણામે રાજ્યોનો ૩૬૦ ડીગ્રી વિકાસ થશે.
મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતો, પશુપાલકો અને માછીમારો માટે બજેટમાં થયેલી વિશેષ જોગવાઈઓ અંગે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે 'અન્નદાતા'ને બજેટના 'GYAN' મોડેલનો મહત્વનો ભાગ ગણીને કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ માટે રેકોર્ડ બ્રેક રૂ. ૨૪,૦૨૨ કરોડની જોગવાઈ કરી છે, જે ખેતી અને ગ્રામીણ અર્થતંત્ર ઉપરાંત અન્નદાતાના સશક્તિકરણને વેગ આપશે. ગુજરાતના ખેડૂતો અને જનતાના હિતમાં રજૂ કરાયેલા ઐતિહાસિક બજેટ માટે મંત્રી જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
મંત્રીએ કહ્યું હતું કે, ટેકનોલોજીના સહારે ખેડૂતોનો શ્રમ અને ખર્ચ ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ યાંત્રિકીકારણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આજે રજૂ થયેલા અંદાજપત્રમાં ખેડૂતોને આધુનિક ખેતીના સાધનોની ખરીદીમાં સહાય આપવા માટે ગત વર્ષ કરતા રૂ. ૧૭૩ કરોડના વધારા સાથે કુલ રૂ. ૭૬૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદીમાં સહાય આપવા માટે પણ રૂ. ૮૦૦ કરોડની જોગવાઈ કરવામાં અવી છે. આમ, કુલ મળી બજેટમાં કૃષિ યાંત્રિકીકરણ માટે રૂ. ૧,૫૦૦ કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે, જેનો સીધો લાભ ખેડૂતોને મળશે.
રાજ્યના ખેડૂતોને પોતાના ખેતરમાં ૩૦૦ ચો. ફૂટનું પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સરકાર દ્વારા પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ રૂ. ૧ લાખની સહાય આપવામાં આવે છે. આ સ્ટ્રક્ચરના માપને હવે વધારીને ૬૦૦ ચો. ફૂટ કરવામાં આવ્યું છે, જેથી સ્ટ્રક્ચર ઉભું કરવા માટે ખેડૂતોને સહાય પણ બમણી એટલે કે, રૂ. ૨ લાખની સહાય આપવામાં આવશે. ખેડૂતોને આ સહાય પૂરી પાડવા માટે બજેટમાં પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં બમણો વધારો કરીને કુલ રૂ. ૧૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
મંત્રીએ ડ્રોન ટેક્નોલોજી અંગે કહ્યું કે, રાજ્યમાં સ્માર્ટ ફાર્મિંગને પ્રોત્સાહન આપવા ડ્રોન ટેકનોલોજીનો કૃષિ ક્ષેત્રે ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ખેતી કામોમાં ડ્રોનનો ઉપયોગ વધે તે માટે ડ્રોનની ખરીદીમાં સહાય આપવા માટે બજેટમાં રૂ. ૧૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ, રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા રૂ. ૩૯૨ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં સંશોધન અને માળખાકીય સુવિધાઓ માટે પણ રૂ. ૧,૦૬૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
કૃષિ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા બજેટમાં નવી નીતિની જાહેરાત કરવામાં આવી છે. જેની વિગતો આપતા કૃષિ મંત્રીએ કહ્યું કે, આજે બજેટમાં “ગુજરાત કૃષિ વ્યવસાય અને નિકાસ પ્રોત્સાહન નીતિ”ની જાહેરાત કરવામાં આવી છે. આ નીતિ હેઠળ ૫,૦૦૦થી વધુ એગ્રી બીઝનેસને સહાય આપવામાં આવશે, જેમાં એગ્રી ટેક એન્ટરપ્રાઈઝ અને MSME એકમોનો સમાવેશ થશે. આ નીતિ હેઠળ મૂડી સહાય, વ્યાજ સહાય, વેતન સહાય, ટેક્નોલોજી, તાલીમ, સર્ટીફીકેટ અને નિકાસમાં એકમોને સહાય આપવામાં આવશે. માઈક્રો એગ્રી એન્ટરપ્રાઈઝ, એગ્રીટેક એન્ટરપ્રાઈઝ, એફપીઓ, SHG અને સ્ટાર્ટઅપને પણ આ નીતિ હેઠળ સહાય આપવામાં આવશે.
ગુજરાતની બ્લૂ ઇકોનોમીને પ્રોત્સાહન આપવા બજેટમાં કરાયેલી જાહેરાત અંગે મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતનો ૧૬૦૦ કિમી લાંબો દરિયા કિનારો બ્લુ ઇકોનોમીનું એન્જિન બને તે માટે મત્સ્યોદ્યોગ માટે કુલ રૂ. ૧,૩૯૬ કરોડની માતબર ફાળવણી કરવામાં આવી છે. જેમાં રાજ્યના નોટીફાઈડ ૧૦૪ મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ખાતે માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે રૂ. ૩૬૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આ ઉપરાંત માછીમારોને આર્થિક રીતે સહાયરૂપ થવા ડીઝલની ખરીદી પર વેટ (VAT) રાહત આપવા રૂ. ૩૦૦ કરોડ, દરિયાઈ માત્સ્યોધ્યોગ ક્ષેત્રે વિવિધ સાધન ખરીદી પર સહાય અને પાકિસ્તાનમાં પકડાયેલા માછીમારોના કુટુંબોને સહાય આપવા માટે રૂ. ૧૦૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં, મધર વેસલ પર સહાય માટે રૂ. ૨૫ કરોડ, ડીપ સી વેસલ પર સહાય માટે રૂ. ૧૫ કરોડ અને નવી એન્ફોર્સમેન્ટ વિંગની સ્થાપના માટે પણ રૂ. ૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત ડેરી ક્ષેત્રે વિશ્વમાં અગ્રેસર છે, તેને વધુ મજબૂત કરવા માટે પશુપાલન ક્ષેત્રને પણ બજેટમાં વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના' હેઠળ ગૌશાળાઓ અને પાંજરાપોળોને પશુ નિભાવ સહાય આપવા રૂ. ૫૦૦ કરોડની ફાળવણી કરાઈ છે. સાથે જ, પશુ આરોગ્યને પ્રાધાન્ય આપી ફરતા પશુ દવાખાના અને પશુઓમાં રસીકરણના કાર્યક્રમો માટે પણ વિશેષ ભંડોળ ફાળવવામાં આવ્યું છે. આ ઉપરાંત પશુપાલકોની આવક વધારવા માટે રાજ્યના ચાર ઝોનમાં બાયો-સીએનજી પ્લાન્ટ સ્થાપવાની નવી જાહેરાત કરવામાં આવી છે, જેનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
