News of Wednesday, 18th February 2026
કલોલ તાલુકા પંચાયતનો એન્જિનિયર ૨.૬૦ લાખનું બિલ પાસ કરવા રૂા. ૮ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો : એસીબીના દરોડાથી સરકારી કચેરીઓમાં ફફડાટ
એસીબી વડા પિયુષ પટેલના આદેશથી પાટણ PI ડી.આર. ગઢવીએ ગોઠવ્યું છટકું : નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલા અને મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ બ્લોક એન્જિનિયર સાગર ભાલકિયા જેલભેગો

કલોલ : ગાંધીનગર જિલ્લાની કલોલ તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતો આઉટસોર્સ બ્લોક એન્જિનિયર લાંચ લેતા ઝડપાતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. સરકારી કામોના બાકી બિલ મંજૂર કરવાના અવેજમાં રૂા. ૮,૦૦૦ની લાંચ માંગનાર સાગરકુમાર જયંતીલાલ ભાલકિયાને એસીબીની ટીમે છટકું ગોઠવી મુદ્દામાલ સાથે દબોચી લીધો છે. એસીબી વડા પિયુષ પટેલના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન હેઠળ આ મોટી સફળતા મળી છે.
બિલ મંજૂર કરવા માંગી હતી લાંચ
બનાવની વિગતો મુજબ, એક જાગૃત નાગરિકે કલોલ તાલુકાના પાનસર, આરસોડિયા, ધાનજ અને બોરીસણા ગામોમાં સરકારી વિકાસલક્ષી કામો કર્યા હતા. આ કામોના અંદાજિત રૂા. ૨,૬૦,૦૦૦ જેટલા બિલો મંજૂર કરાવવાના બાકી હતા. આ બિલો પાસ કરી આપવાના બદલામાં વર્ગ-૩ના બ્લોક એન્જિનિયર સાગર ભાલકિયાએ ફરિયાદી પાસે ગેરકાયદેસર રીતે રૂા. ૮,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે પાટણ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
એસીબીનું સફળ ટ્રેપ ઓપરેશન
ફરિયાદના આધારે ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ કલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપી સાગર ભાલકિયાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી. જેવી રકમ સ્વીકારી કે તરત જ વોચમાં રહેલી પાટણ એસીબીની ટીમે ત્રાટકી આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. એસીબીએ લાંચના રૂા. ૮,૦૦૦ સ્થળ પરથી જ રિકવર કર્યા છે.
ઉચ્ચ અધિકારીઓના સુપરવિઝનમાં કાર્યવાહી
આ સમગ્ર ઓપરેશન પાટણ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. ગઢવી અને તેમના સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. આ ટ્રેપમાં એસીબી બોર્ડર એકમ ભુજના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલનું સુપરવિઝન રહ્યું હતું, જ્યારે એસીબી રાજકોટના નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાએ ઇન્ચાર્જ અધિકારી તરીકે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. હાલમાં એસીબીએ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(9:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
