<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

અમદાવાદમાં બૉમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર 'સાયબર માફિયા'ને છત્તીસગઢથી ઝડપી લેવાયો

ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે આરોપીની છત્તીસગઢથી અટકાયત કરી:પકડાયેલા આરોપીની મોડસ ઓપરેન્ડી જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી બોમ્બ બ્લાસ્ટની ખોટી ધમકીઓ આપી પોલીસ તંત્ર અને પ્રજામાં ફફડાટ ફેલાવનાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો છે. ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે આ શખ્સની છત્તીસગઢથી અટકાયત કરી છે. પકડાયેલા આરોપીની મોડસ ઓપરેન્ડી જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

આ શખ્સ પોતાની ઓળખ છુપાવવા માટે અન્ય નિર્દોષ લોકોના ઇન્ટરનેટ કનેક્શન અને આઈપી એડ્રેસ (IP Address) હેક કરતો હતો. હેક કરેલા નેટવર્ક દ્વારા તે ધમકીભર્યા મેઈલ મોકલતો હતો, જેથી પોલીસ તપાસમાં તે વ્યક્તિ પકડાય જેનું ઇન્ટરનેટ તે વાપરી રહ્યો છે. ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, આ શખ્સે છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ વખત અમદાવાદમાં અલગ-અલગ જગ્યાએ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. તેના કારણે અનેક મહત્વના સ્થળો પર પોલીસ સર્ચ ઓપરેશન હાથ ધરવું પડતું હતું અને તંત્રમાં દોડધામ મચી જતી હતી.

આરોપીને છત્તીસગઢથી અમદાવાદ લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ શખ્સે માત્ર અમદાવાદમાં જ કે અન્ય શહેરોમાં પણ આવી ધમકી આપી છે? શું તે કોઈ ગેંગ કે સંગઠન સાથે સંકળાયેલો છે? બીજાના ઇન્ટરનેટ હેક કરવા પાછળનો તેનો અસલી હેતુ શું હતો? આ તમામ પાસાઓ પર ક્રાઈમ બ્રાન્ચે ઊંડી તપાસ શરૂ કરી છે. આ ધરપકડ બાદ શહેરમાં વારંવાર આવતી ખોટી અફવાઓ પર લગામ આવશે તેવી આશા સેવાઈ રહી છે.

(12:10 AM IST)