<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

વર્ગ-૩ની ભરતી પરીક્ષા માટે ૪,૬૬,૦૦૦ ઉમેદવારોઃ ૧૧૮૦ના વધારા સાથે કુલ ૬૫૫૦ જગ્‍યાઓ

ગોૈણ સેવા પસંદગી મંડળ દ્વારા અરજીની મુદતમાં બીજી માર્ચ સુધીનો વધારો

રાજકોટ તા.૧૯: ગુજરાત ગોૈણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-૩ની ભરતી માટે કમ્‍બાઇન્‍ડ કોમ્‍પીટીટીવ એકઝામ આપવા ઓનલાઇન અરજીઓ માંગવામાં આવેલ છે. જેમાં આજ સુધીમાં ૪.૬૬ લાખ જેટલી અરજીઓ આવ્‍યાનું અને તે પૈકી ૩,૪૭,૦૦૦ જેટલી અરજીઓ કન્‍ફર્મ થઇ ગયાનું જાણવા મળે છે. મંડળે ખાલી જગ્‍યાઓની સંખ્‍યા અને અરજી કરવાની મુદતમાં વધારો કરેલ છે. જુનિયર કલાર્ક કાર્યાલય અધિક્ષક, મદદનિશ અધિક્ષક, સિનિયર કલાર્ક, હેડ કલાર્ક, ડેપો મેનેજર વગેરે જગ્‍યાઓ માટે એપ્રિલ કે મે મહિનામાં પરિક્ષા લેવાય તેવી શકયતા છે.

ગોૈણ સેવા પસંદગી મંડળે જાહેર કર્યુ છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને મળેલ સરકારના વિભાગોમાંથી તેઓના નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ હસ્‍તકના વર્ગ-૩ સંવર્ગની જગ્‍યાઓના નવા માંગણાપત્રકોને ધ્‍યાને લઈ મંડળની તા.૦૩/૦૨/૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ ‘‘ગુજરાત ગૌણ સેવા'' વર્ગ -૩ (ગ્રુપ- A તથા ગ્રુપ - B) ની સંયુક્‍ત સ્‍પર્ધાત્‍મક પરીક્ષા  અંતર્ગત વિવિધ વર્ગ-૩ સંવર્ગની કુલ-૫૩૭૦ જગ્‍યાઓમાં ગ્રુપ- A, વર્ગ-૩, સંવર્ગની કુલ-૩૨૫ જગ્‍યાઓ તથા ગ્રુપ- B, વર્ગ-૩ સંવર્ગની કુલ-૮૫૫ જગ્‍યાઓ મળી  કુલ-૧૧૮૦ જગ્‍યાઓનો ઉમેરો કરવામાં આવે છે.

મંડળ દ્વારા પ્રસિદ્ધ તા.૦૩/૦૨/૨૦૨૬ની જાહેરાતની કુલ-૫૩૭૦ જગ્‍યાઓ તેમજ પ્રસ્‍તુત સુધારા જાહેરાત અન્‍વયે ઉમેરવામાં આવેલ સીધી ભરતીની વર્ગ-૩ સંવર્ગની જગ્‍યાઓ ઉમેર્યા બાદ ગ્રુપ- A તથા ગ્રુપ- B ની કુલ-૬,૫૫૦ જગ્‍યાઓ માટે સંયુક્‍ત સ્‍પર્ધાત્‍મક પરીક્ષા યોજવામાં આવશે.

તા. ૨૦/૦૨/૨૦૨૬ ના (સમય ૨૩:૫૯ કલાક સુધી) ઓનલાઇન અરજી કરવાની સમયમર્યાદા આપેલ હતી તે સમયમર્યાદામાં વધારો કરી તા.૦૨/૦૩/૨૦૨૬ના (સમય ૨૩:૫૯ કલાક) સુધી અરજદારો ઓનલાઇન ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી શકશે તેમજ તા.૦૫/૦૩/૨૦૨૬ (સમય ૨૩:૫૯ કલાક) સુધી અરજદાર ઓનલાઇન ફી ભરી શકશે. જે ઉમેદવારોએ જાહેરાત ક્રમાંકઃ ૩૭૮/૨૦૨૫૨૬ અન્‍વયે આ અગાઉ ઓનલાઇન અરજી કરેલ છે તેઓએ ફરી અરજી કરવાની રહેતી નથી.

(12:54 PM IST)