<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

વિકસિત ગુજરાતનો રોડમેપ: શિષ્યવૃત્તિ મર્યાદામાં વધારો અને ખેડૂતો માટે ₹૧૧ હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ: શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા

શિક્ષણથી સ્વાસ્થ્ય સુધી ગુજરાતની હરણફાળ: 'નમો લક્ષ્મી' અને 'નમોશ્રી' યોજનાઓ બની જનશક્તિનો આધાર:'સર્વજન હિતાય, સર્વજન સુખાય'ના મંત્ર સાથે રાજ્ય સરકાર નાગરિકોના કલ્યાણ માટે આગળ વધી રહી છે: વિધાનસભામાં રાજ્યપાલના સંબોધન પરના આભાર પ્રસ્તાવની ચર્ચામાં સહભાગી થતાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા

   ગાંધીનગર :વિધાનસભામાં રાજ્યપાલના સંબોધન પરના આભાર પ્રસ્તાવની ચર્ચામાં સહભાગી થતાં શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર 'સર્વજન હિતાય, સર્વજન સુખાય'ના મંત્ર સાથે આગળ વધી રહી છે.
મંત્રીએ કહ્યું કે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ તથા મહાન આદિવાસી જનનાયક બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી તથા રાષ્ટ્રભાવનાનું શાશ્વત ગીત ‘વંદે માતરમ’ના ૧૫૦ વર્ષની ત્રિવેણી સંગમરૂપી એક અવિસ્મરણીય એકતા યાત્રા બની રહી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સોમનાથ મંદિરના કાયાકલ્પને આવકારતાં મંત્રીએ કહ્યું કે ૭૨ કલાક ઓમકાર નાદ સાથે અતૂટ આસ્થાના ૧૦૦૦ વર્ષે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી કરવામાં આવી. એકસાથે ૧૦૦૦ ડ્રોન દ્વારા આકાશમાં જ્યારે સોમનાથની ગાથા લખાઈ, ત્યારે દરેક ગુજરાતીની છાતી ગજગજ ફૂલી હતી.
તેમણે રાજ્યપાલના પ્રવચનને સમર્થન આપતાં કહ્યું કે આ સંબોધનમાં રાજ્ય સરકારની સર્વગ્રાહી વિકાસગાથા રજૂ થાય છે. મંત્રી વાજાએ વિવિધ વિભાગો માટે રાજ સરકાર દ્વારા કરવામાં આવેલી જોગવાઈઓ વિશે વિગતવાર છણાવટ કરતાં કહ્યું કે રાજ્ય સરકારે એક ઐતિહાસિક નિર્ણય લઈને આદિજાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની વાર્ષિક આવકમર્યાદા ₹૨.૫૦ લાખથી વધારીને ₹૬ લાખ કરી છે.
આ જ પ્રકારે, શિક્ષણ ક્ષેત્રે 'નમો લક્ષ્મી' યોજના હેઠળ ૧૧ લાખ કિશોરીઓને અને 'નમો સરસ્વતી' યોજના હેઠળ ૧.૫૦ લાખ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. જેના પરિણામે શાળામાં ડ્રોપઆઉટ રેટ ઘટીને માત્ર ૨.૪૨ ટકા રહ્યો છે. રાજ્યમાં ‘સ્કૂલ ઓફ એક્સલન્સ’ અને ‘મોડલ સ્કૂલ’ પ્રોજેક્ટ દ્વારા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. 
આ ઉપરાંત, ગુજરાત વર્ષ ૨૦૧૮ થી સતત 'નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગ'માં બેસ્ટ પરફોર્મર તરીકે પ્રથમ ક્રમે રહ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું. વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ્સ માટે Student Start up & Innovation Policy 2.0 હેઠળ : ૪,૯૪૮ પ્રૂફ ઓફ કન્સેપ્ટ ૨,૨૮૨ IP ફાઈલિંગ, ૮૨૮ સ્ટાર્ટઅપ્સને સપોર્ટ આપવામાં આવ્યો છે. 
ખેડૂત કલ્યાણ અને પ્રાકૃતિક ખેતી વિશે વાત કરતાં તેમણે કહ્યું કે ધરતીપુત્રોની સંવેદનાને વાચા આપીને રાજ્ય સરકારે પૂર અને કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે ₹૧૧,૦૦૦ કરોડથી વધુનું રાહત પેકેજ જાહેર કર્યું છે. રાજ્યમાં ૧૯ લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે અને એક લાખથી વધુ ખેડૂતોને ગાય નિભાવ ખર્ચ પેટે ₹૫૮.૭૭ કરોડની સહાય આપી છે.
 વાજાએ કહ્યું કે આરોગ્ય ક્ષેત્રે ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં ૨.૭૦ કરોડથી વધુ આયુષ્માન કાર્ડ વિતરીત કરવામાં આવ્યા છે. જ્યારે ‘નમોશ્રી' યોજના દ્વારા ૭.૫૦ લાખ માતાઓને ₹૪૫૦ કરોડની સહાય અપાઈ છે. ઔદ્યોગિક વિકાસમાં 'વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' દ્વારા મહેસાણા અને રાજકોટમાં કુલ ₹૯ લાખ કરોડથી વધુના MOU થયા છે.
આમ, રાજ્ય સરકાર પારદર્શિતા અને ઝડપી નિર્ણયશક્તિ દ્વારા વિકસિત ભારત@૨૦૪૭ના વિઝનને સાકાર કરવા કટિબદ્ધ હોવાનું જણાવી મંત્રીએ રાજ્યપાલના પ્રવચનને સમર્થન આપ્યું હતું

(5:57 PM IST)