News of Friday, 20th February 2026
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય : લગ્ન નોંધણી પ્રક્રિયામાં હવે માતા-પિતાની સહમતી અનિવાર્ય : છેતરપિંડી કરનારા તત્વો સામે લાલ આંખ
વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું કડક નિવેદન : ઓળખ છુપાવી દીકરીઓને ફસાવનાર ‘સલીમ’ જો ‘સુરેશ’ બનશે તો સરકાર એવા હાલ કરશે કે પેઢીઓ યાદ રાખશે : પંચમહાલના બોગસ નિકાહ સર્ટિફિકેટ કાંડ બાદ કાયદો વધુ મજબૂત કરાશે

ગાંધીનગર, તા. 20 : ગુજરાત વિધાનસભાના ગૃહમાં આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિયમ ૪૪ હેઠળ એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ બાબત પર ઐતિહાસિક નિવેદન આપ્યું હતું. રાજ્યમાં દીકરીઓની સુરક્ષા અને સામાજિક માળખાને જાળવી રાખવા માટે ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર ‘ગુજરાત મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ ૨૦૦૬’ ના નિયમોમાં ધરખમ સુધારા કરવા જઈ રહી છે. આ સુધારા અંતર્ગત હવે લગ્ન નોંધણી પ્રક્રિયામાં માતા-પિતાને સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યા છે.
સનાતન પરંપરા અને દીકરીઓના સન્માનની રક્ષા:
નાયબ મુખ્યમંત્રીએ ગૃહમાં વેદના સાથે જણાવ્યું હતું કે, લગ્ન નોંધણીમાં રહેલી કેટલીક છટકબારીઓનો અસામાજિક તત્વો ગેરઉપયોગ કરી રહ્યા છે. લાલચ, છળકપટ કે સાચી ઓળખ છુપાવીને દીકરીઓને પ્રેમની જાળમાં ફસાવવામાં આવે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર લવ-મેરેજની વિરોધી નથી, પરંતુ 'છેતરપિંડી' અને 'બળજબરી' સામે સખત પગલાં લેવાશે. આ સરકાર દરેક દીકરીના સન્માનની અને આપણી સનાતન પરંપરાની રક્ષક છે. ભારતની લગ્ન વ્યવસ્થાને બચાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર કટિબદ્ધ છે.
પંચમહાલનો ચોંકાવનારો ‘બોગસ નિકાહ’ કાંડ:
હર્ષ સંઘવીએ પંચમહાલ જિલ્લાના કંકોડાકોઈ અને નાથકુવા જેવા ગામોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, જે ગામોમાં એક પણ મુસ્લિમ પરિવાર કે મસ્જિદ નથી, ત્યાં તલાટી-કમ-મંત્રી દ્વારા સેંકડો ‘નિકાહ’ સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરીને કડક કાર્યવાહી કરવામાં આવી છે. ઓળખ છુપાવીને થતા લગ્નોને તેમણે સંસ્કૃતિ પરનું આક્રમણ ગણાવ્યું હતું. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, "કોઈ સલીમ સુરેશ બનીને રાજ્યની દીકરીને ફસાવશે તો આ સરકાર તેના એવા હાલ કરશે કે તે ભવિષ્યમાં કોઈ દીકરી સામે આંખ ઉઠાવીને જોવાની હિંમત પણ નહીં કરે."
નવા નિયમોની મુખ્ય જોગવાઈઓ:
* માતા-પિતાની જાણકારી: લગ્નની નોંધણી વખતે હવે માતા-પિતાને ફરજિયાત જાણ કરવામાં આવશે.
* અલગ પોર્ટલ: આ પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે સરકાર એક અલગ પોર્ટલ બનાવશે.
* વાંધા-સૂચનો: આ નવા સૂચિત સુધારા અંગે રાજ્યના નાગરિકો પાસેથી ૩૦ દિવસમાં વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે.
* કમિટીની રચના: યોગ્ય સૂચનોના અમલ માટે એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે જે બંધારણીય મર્યાદામાં રહીને કામ કરશે.
સામાજિક સંગઠનો સાથે પરામર્શ:
આ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા છેલ્લા ત્રણ મહિનામાં કાયદા અને ન્યાય વિભાગના રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ રાજ્યની અનેક સામાજિક સંસ્થાઓ સાથે ૩૦ જેટલી બેઠકો યોજી હતી. દીકરી જ્યારે જન્મે છે ત્યારે પિતાના આંગણામાં તુલસીનો ક્યારો બનીને ઉછરે છે, ત્યારે તેની સુરક્ષા માટે સરકાર તમામ કાયદાકીય કડકાઈ લાવવા તૈયાર છે. નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં લેવાયેલો આ નિર્ણય ગુજરાતના સામાજિક ઇતિહાસમાં માઇલસ્ટોન સાબિત થશે.
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
