News of Friday, 20th February 2026
ખેડૂતોને ટ્રેક્ટર માટે સહાય આપવામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર : છેલ્લા ૫ વર્ષમાં રાજ્યના ૨ લાખથી વધુ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે રૂ. ૧,૧૯૧ કરોડની સહાય ચૂકવાઈ: કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૧-૧૨માં રાજ્યના મુખ્યમંત્રી તરીકે આ યોજનાનો પાયો નાખ્યો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યોજનાના બજેટમાં ધરખમ વધારો કર્યો : વર્ષ ૨૦૨૬-૨૭માં ટ્રેક્ટર સહાય માટે બજેટમાં રૂ. ૮૦૦ કરોડની ઐતિહાસિક જોગવાઈ : કૃષિ મંત્રીનુ નિવેદન

અમદાવાદ તા.૨૦ : વિધાનસભામાં ધારાસભ્યશ્રી દ્વારા રાજ્યમાં ટ્રેક્ટર સહાય યોજના અંગે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગુજરાતના કૃષિ યાંત્રીકીકરણના વધતા વ્યાપ અને સરકારની ખેડૂતલક્ષી નીતિઓની વિગતો રજૂ કરી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ખેતીમાં શ્રમ ઘટાડવા અને ઉત્પાદકતા વધારવા માટે ટ્રેક્ટર એક અનિવાર્ય સાધન છે અને ગુજરાત સરકાર ખેડૂતોને આ દિશામાં મહત્તમ સહાય કરી રહી છે.
કૃષિ મંત્રીશ્રીએ ગૃહમાં ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે, ગુજરાતમાં કૃષિ યાંત્રીકીકરણને વેગ આપવા માટે એજીઆર-૫૦ (ટ્રેક્ટર સહાય યોજના)ની શરૂઆત વર્ષ ૨૦૧૧-૧૨માં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં આ યોજના માત્ર રૂ. ૫૫ કરોડની જોગવાઈથી શરૂ થઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વાવેતર અને ઉત્પાદનમાં વધારો કરી ખેતીને આધુનિક બનાવવાનો હતો.
આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ યોજનાના વ્યાપમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વર્ષ ૨૦૨૬-૨૭ સુધીમાં આ યોજના માટે બજેટમાં રૂ. ૮૦૦ કરોડ સુધીની જોગવાઈ કરવામાં આવી છે. નોંધનીય છે કે, સમગ્ર દેશમાં ટ્રેક્ટર ઘટક માટે આટલી મોટી રકમની જોગવાઈ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ ઉપરાંત ટ્રેક્ટરની ખરીદીમાં સહાયની મર્યાદા પણ વધારીને રૂ. ૧ લાખ કરવામાં આવી છે.
વિગતવાર માહિતી આપતાં તેમણે કહ્યું કે, છેલ્લા ૫ નાણાકીય વર્ષ દરમિયાન રાજ્યના કુલ ૨,૦૧,૬૦૫ ખેડૂત લાભાર્થીઓને ટ્રેક્ટરની ખરીદી માટે કુલ રૂ. ૧,૧૯૧.૯૪ કરોડની નાણાકીય સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે.
ગત પાંચ વર્ષમાં ટ્રેક્ટર માટે ખેડૂતોને આપવામાં આવેલી સહાયની વિગતો:વર્ષ ૨૦૨૧-૨૨માં ૩૦,૫૬૮ ખેડૂતોને કુલ રૂ. ૧૪૪ કરોડની સહાય.વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૯,૯૩૩ ખેડૂતોને કુલ રૂ. ૧૪૨.૦૮ કરોડની સહાય.વર્ષ ૨૦૨૩-૨૪માં ૫૯,૩૧૧ ખેડૂતોને કુલ રૂ. ૨૮૨.૩૪ કરોડની સહાય.વર્ષ ૨૦૨૪-૨૫માં ૪૯,૨૨૭ ખેડૂતોને કુલ રૂ. ૨૩૮.૧૬ કરોડની સહાય.વર્ષ ૨૦૨૫-૨૬માં (૩૧/૧૨/૨૦૨૫ સુધીમાં) ૩૨,૫૬૬ ખેડૂતોને કુલ રૂ. ૩૨૫.૩૬ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
કૃષિ મંત્રીશ્રીએ અંતમાં જણાવ્યું હતું કે, આ યોજના દ્વારા ખેત મજૂરોની અછતની સમસ્યા હલ થઈ છે અને રાજ્યનો ખેડૂત આધુનિક મશીનરીના ઉપયોગથી સમૃદ્ધ બનીને તેમની આવકમાં વૃદ્ધિ કરી રહ્યો છે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
