News of Friday, 20th February 2026
આણંદ એસીબીની સફળ ટ્રેપ : વારસાઈ નોંધની અપીલના બહાને લાંચ માંગનાર રેવન્યુ તલાટી અને તેનો સાગરીત ૧૦ હજાર લેતા ઝડપાયા: જુઓ વિડીયો
નાયબ નિયામક હરેશ મેવાડા, મદદનીશ નિયામક એમ.એચ. પુવાર અને પીઆઈ એમ.એલ. રાજપુતનું સફળ ઓપરેશન : તલાટી ગૌરવ રાજપુત વતી વચેટિયાએ સેવાસદન બહાર ચ્હાની લારીએ નાણાં સ્વીકાર્યા

આણંદ : આણંદ જિલ્લાના ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટી દ્વારા જમીનની વારસાઈ નોંધની કામગીરીમાં મસમોટી લાંચની માંગણી કરવામાં આવતા એન્ટી કરપ્શન બ્યુરોએ છટકું ગોઠવીને બે આરોપીઓને રંગેહાથ પકડી પાડ્યા છે. આ કેસમાં તલાટી ગૌરવ રાજપુતે અગાઉ ગુગલ પે મારફતે લાંચની રકમ સ્વીકારી હોવા છતાં વધુ નાણાંની માંગણી ચાલુ રાખતા આખરે એસીબીની ટીમે આણંદ જિલ્લા સેવાસદન કચેરીની બહાર જાહેર રોડ પર દરોડો પાડીને સફળ ટ્રેપ કરી છે.
૧.૨૦ લાખની લાંચની માંગણી અને ગુગલ પે દ્વારા વ્યવહાર:
આ કેસની વિગત એવી છે કે, ફરિયાદીના પિતા અને કૌટુંબિક સભ્યોના નામે બાકરોલ ગામ ખાતે વડીલોપાર્જિત સંયુક્ત માલિકીની જમીન આવેલી છે. આ જમીનમાં વારસાઈની નોંધ નામંજૂર કરવામાં આવી હતી. આ નામંજૂર થયેલી નોંધો સામે અપીલ કરવાની કામગીરી કરી આપવા માટે રેવન્યુ તલાટી ગૌરવ રાજેશકુમાર રાજપુતે પ્રથમ ૧,૨૦,૦૦૦ રૂપિયાની લાંચ માંગી હતી. જે પૈકીના ૩૦,૦૦૦ રૂપિયા તેણે અગાઉ ગુગલ પે (Google Pay) મારફતે ઓનલાઈન મેળવી લીધા હતા. ત્યારબાદ અપીલની પ્રક્રિયા શરૂ કરવા માટે તેણે વધુ ૧૦,૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી.
સેવાસદન બહાર ચ્હાની લારીએ લાંચ સ્વીકારાઈ:
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આણંદ એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. એસીબીની ટીમે આપેલી સૂચના મુજબ તા. ૨૦/૦૨/૨૦૨૬ ના રોજ છટકું ગોઠવવામાં આવ્યું હતું. લાંચના છટકા દરમિયાન રેવન્યુ તલાટી ગૌરવ રાજપુતે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં વચેટિયા તરીકે કામ કરતા પ્રજાજન બદરૂદીન શરફુભાઇ મલેકને આપી દેવા જણાવ્યું હતું. બદરૂદીન ફરિયાદીને કચેરીની બહાર જાહેર રોડ પર આવેલી ચ્હાની લારી પાસે લઈ ગયો હતો અને ત્યાં તલાટી વતી ૧૦,૦૦૦ રૂપિયા સ્વીકાર્યા હતા. આ જ સમયે એસીબીની ટીમે ત્રાટકીને બંને આરોપીઓને દબોચી લીધા હતા.
એસીબીના અધિકારીઓની કામગીરી:
આ સફળ ટ્રેપમાં એસીબીના ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન નિર્ણાયક રહ્યું હતું. જેમાં ઇન્ચાર્જ અધિકારી તરીકે અમદાવાદ રેન્જના નાયબ નિયામક હરેશ મેવાડા અને સુપરવિઝન અધિકારી તરીકે અમદાવાદ એસીબી એકમના મદદનીશ નિયામક એમ.એચ. પુવાર જોડાયા હતા. ટ્રેપિંગની કામગીરી આણંદ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એલ. રાજપુત અને તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી.
એસીબીએ સ્થળ પરથી લાંચની ૧૦,૦૦૦ રૂપિયાની રકમ રિકવર કરી છે. સરકારી હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવા બદલ તલાટી અને તેની મદદગારી કરનાર સાગરીત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીના પગલે આણંદની મહેસૂલી કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
