તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th February 2026
ગુજરાતના વન વિભાગમાં મોટો ફેરફાર : ૯ IFS અને GFS અધિકારીઓની સાગમટે બદલી : અંશુમન શર્મા જીએસએફડીસીના એમડી બન્યા : જુઓ સંપૂર્ણ સૂચિ
રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા મહત્વનું જાહેરનામું પ્રસિદ્ધ : નિશા રાજની કેવડિયા વાઈલ્ડલાઈફ સર્કલના કન્ઝર્વેટર તરીકે નિયુક્તિ : ચિરાગ અમીનની પાલીતાણા બદલી

ગાંધીનગર, તા. 20 : ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા રાજ્યના વન સેવાના ઉચ્ચ અધિકારીઓની મોટા પાયે બદલી અને નિમણૂકના આદેશો જારી કરવામાં આવ્યા છે. રાજ્યપાલના આદેશથી વન વિભાગના અગ્ર સચિવ ડૉ. વિનોદ રાવ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ કુલ ૯ જેટલા આઈએફએસ (IFS) અને જીએફએસ (GFS) અધિકારીઓને નવી જવાબદારી સોંપવામાં આવી છે.
મુખ્ય બદલીઓ અને નવી નિમણૂકો:
૧. ડૉ. અંશુમન શર્મા: કેવડિયા (વડોદરા) વાઈલ્ડલાઈફ સર્કલના મુખ્ય વન સંરક્ષક (CCF) પદેથી બદલી કરીને તેમને વડોદરા ખાતે ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ (GSFDC) ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
૨. આર. ધનપાલ: ગાંધીનગર ખાતે વન સંરક્ષક (CF), ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ તરીકે ફરજ બજાવતા આ અધિકારીની બદલી ગોધરા સોશિયલ ફોરેસ્ટ્રી સર્કલના વન સંરક્ષક તરીકે કરવામાં આવી છે.
૩. નિશા રાજ: વડોદરા વર્કિંગ પ્લાનના વન સંરક્ષક પદેથી બદલી કરીને તેમને કેવડિયા (વડોદરા) વાઈલ્ડલાઈફ સર્કલના વન સંરક્ષક તરીકે મૂકવામાં આવ્યા છે. તેઓ વડોદરા વર્કિંગ પ્લાનનો વધારાનો હવાલો પણ સંભાળશે.
૪. ડૉ. સક્કીરા બેગમ: સાણંદ ખાતે નળસરોવર પક્ષી અભયારણ્યના નાયબ વન સંરક્ષક (DCF) તરીકે ફરજ બજાવતા આ અધિકારીની લુણાવાડા ખાતે મહીસાગર વિભાગના નાયબ વન સંરક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે.
અન્ય મહત્વના ફેરફાર:
૫. અગ્નેશ્વર વ્યાસ: એકતાનગર (SOUADTGA) કેવડિયા વિભાગના નાયબ વન સંરક્ષક પદેથી તેમને શાસણ વિભાગના અભયારણ્ય અધિક્ષક (Sanctuary Superintendent) તરીકે બદલવામાં આવ્યા છે.
૬. પોપટરાવ ગરડી: પાલનપુરના બનાસકાંઠા સોશિયલ ફોરેસ્ટ્રી વિભાગના નાયબ વન સંરક્ષક પદેથી તેમને બનાસકાંઠા વાઈલ્ડલાઈફ વિભાગ, પાલનપુરમાં મૂકવામાં આવ્યા છે.
૭. ચિરાગ અમીન: પાલનપુર વાઈલ્ડલાઈફ વિભાગના નાયબ વન સંરક્ષક પદેથી બદલી કરીને તેમને પાલીતાણાના શેત્રુંજી વાઈલ્ડલાઈફ વિભાગના નાયબ વન સંરક્ષક બનાવવામાં આવ્યા છે.
૮. પ્રસાદ રવિ રાધાકૃષ્ણ: જામનગર મરીન નેશનલ પાર્કના નાયબ વન સંરક્ષક પદેથી તેમને એકતાનગર (SOUADTGA) કેવડિયા વિભાગના નાયબ વન સંરક્ષક તરીકે નિયુક્ત કરાયા છે.
૯. ધનંજયકુમાર કનૈયાલાલ સાધુ (GFS): વડોદરા વન વિકાસ નિગમના સિનિયર ડિવિઝનલ મેનેજર પદેથી બદલી કરીને તેમને વડોદરા સોશિયલ ફોરેસ્ટ્રી વિભાગના નાયબ વન સંરક્ષક તરીકે મૂકવામાં આવ્યા છે.
આ જાહેરનામા દ્વારા અનેક અધિકારીઓને વધારાના હવાલામાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને નવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વન વિભાગના આ વહીવટી ફેરફારોથી રાજ્યના વન્યજીવ સંરક્ષણ અને સામાજિક વનીકરણની કામગીરીમાં વેગ આવશે તેમ માનવામાં આવે છે.
(5:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
