News of Friday, 20th February 2026
સાવધાન! અમદાવાદમાં હનીટ્રેપનો ખતરનાક ખેલ: ફેસબુક ફ્રેન્ડ 'રિયા' એ NRI યુવકને ફ્લેટમાં બોલાવ્યો, પછી ૩ યુવતીઓએ નગ્ન થઈ ૨૦ લાખ લૂંટી લીધા
રામોલ પોલીસના હાથે ઝડપાયેલી ગેંગનું વધુ એક કારસ્તાન; આણંદના યુવકને નરોડામાં ફસાવી 'ક્રાઈમ બ્રાંચ' ના નામે આપી ધમકી, આબરૂ બચાવવા યુવકે અમેરિકાથી નાણાં મંગાવ્યા

અમદાવાદ: તા.૨૦: અમદાવાદમાં હનીટ્રેપ ગેંગનો આતંક વધતો જાય છે. રામોલ પોલીસ દ્વારા તાજેતરમાં પકડાયેલા ત્રણ આરોપીઓની પૂછપરછમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ગેંગે માત્ર સ્થાનિક વેપારીઓને જ નહીં, પણ અમેરિકાથી ભારત આવેલા એક NRI યુવકને પણ પોતાનો શિકાર બનાવી ૨૦ લાખ રૂપિયા પડાવ્યા હતા. સોશિયલ મીડિયા પર આરોપીઓનો વીડિયો જોઈ ભોગ બનનાર યુવકે અમેરિકાથી પોતાના ભાણેજને ફોન કરી ફરિયાદ નોંધાવવા જણાવતા સમગ્ર મામલો સામે આવ્યો છે.
ફેસબુક પર 'રિયા' એ જાળ બિછાવી
આ આખી ઘટના ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન બની હતી. ભોગ બનનાર યુવક અમેરિકાથી આણંદ આવ્યો હતો ત્યારે:
• રિકવેસ્ટ અને મિત્રતા: તેને ફેસબુક પર 'રિયા' નામની આઈડી પરથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી. મીઠી-મીઠી વાતો કર્યા બાદ રિયાએ તેને મળવા માટે નરોડાના સ્વામિનારાયણ પાર્ક ખાતેના એક ફ્લેટમાં બોલાવ્યો.
• નગ્ન કરી વીડિયો ઉતાર્યો: યુવક ફ્લેટમાં પહોંચ્યો કે તરત જ ત્યાં હાજર ૩ યુવતીઓએ તેને અંદરના રૂમમાં લઈ જઈ પરાણે નગ્ન કરી દીધો. આ દરમિયાન ઓચિંતા ૬ શખ્સો ઘરમાં ઘૂસી આવ્યા હતા.
'ક્રાઈમ બ્રાંચ' ના નામે ૫૦ લાખની ખંડણી
ઘરમાં ઘૂસી આવેલા શખ્સો પૈકી એકે પોતાની ઓળખ 'કરણસિંહ' તરીકે આપી અને પોતે ક્રાઈમ બ્રાંચમાં હોવાનું જણાવ્યું.
• ધમકીનો દોર: ટોળકીએ યુવકનો વીડિયો ઉતારી તેને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી.
• ૨૦ લાખમાં પતાવટ: શરૂઆતમાં ૫૦ લાખની માંગણી કરી હતી, પરંતુ અંતે ૨૦ લાખમાં સોદો નક્કી થયો. યુવકે આબરૂ બચાવવા માટે પોતાના ભાણેજ પાસે ૨૦ લાખ મંગાવ્યા અને ઉમરેઠ પાસે આ રકમ ટોળકીને સોંપી દીધી હતી.
સોશિયલ મીડિયાએ આરોપીઓને પકડાવ્યા
ભોગ બનનાર યુવક આ ઘટના બાદ ગભરાઈને અમેરિકા પરત જતો રહ્યો હતો. જોકે, તાજેતરમાં રામોલ પોલીસે વસ્ત્રાલના વેપારી સાથે થયેલી છેતરપિંડીમાં ઉપેશ સરવૈયા, હિતેન ચૌહાણ અને અસફાફ શેખની ધરપકડ કરી હતી. આ ધરપકડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા અમેરિકા રહેતા યુવકે તેને ઓળખી કાઢ્યો અને નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવડાવી.
હાલ નરોડા પોલીસે આરોપીઓની કસ્ટડી મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે અને આ ટોળકીમાં સામેલ ફરાર મહિલાઓની શોધખોળ હાથ ધરી છે.
(5:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
