<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવણી– 2026 :ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ-2026 પર બે દિવસીય વિશેષ આઉટરીચ કાર્યક્રમ

માતૃભાષામાં વિજ્ઞાન સંચારના પ્રખ્યાત નિષ્ણાતો પાસેથી શીખવાની તક: લગભગ 200 સહભાગીઓ વર્કશોપ, પેનલ સંવાદો અને સ્પર્ધાઓમાં ભાગ લેશે ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે ભારતીય ભાષાઓમાં સાયન્સ વિડિઓઝ અને રીલ્સ બનાવવા પર રીલ સ્પર્ધામાં ભાગ લેવાની અનોખી તક

ગાંધીનગર :વિજ્ઞાનને ઘણીવાર વૈશ્વિક ભાષા તરીકે માનવામાં આવે છે, છતાં તે જ્યારે કોઈની માતૃભાષામાં વ્યક્ત થાય છે ત્યારે તે સૌથી વધુ અર્થપૂર્ણ રીતે ખીલે છે. આ અંતર્ગત, ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્‍સિલ ઑન સાયન્‍સ ઍન્‍ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા તારીખ 21-22મી ફેબ્રુઆરી 2026 ના રોજ ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ-2026 પર બે દિવસીય વિશેષ આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે.

 વર્ષ 2026 ની થીમ "યુથ વોઈસીસ ઑન મલ્ટીલિંગ્યુઅલ સાયન્સ એજ્યુકેશન" છે. ભાષા "વિચારની પ્રથમ પ્રયોગશાળા" છે, આ વિચારને સમર્થન આપીને, ગુજકોસ્ટ દ્વારા STEM વિષયોમાં ભાષાકીય અવરોધોને દૂર કરવાનો અને એ દર્શાવવાનો પ્રયાસ કરે છે કે જટિલ વૈજ્ઞાનિક ખ્યાલોને વધુ સુલભ અને સશક્તિકરણ બનાવી શકાય છે.

 આ કાર્યક્રમ માતૃભાષાઓ દ્વારા વિજ્ઞાન સંચારના પ્રખ્યાત નિષ્ણાતો પાસેથી શીખવાની મૂલ્યવાન તક આપે છે, જેમાં સહભાગીઓ પેનલ સંવાદો અને સ્પર્ધાઓમાં ભાગ લેશે.

 પ્રતિષ્ઠિત વક્તાઓમાં પ્રો. પંકજ જોશી, ડૉ. જે. જે. રાવલ, ડૉ. સંજય ઠાકર, ડૉ. વી. બી. કાંબલે, ડૉ. ડી. પી. પટેલ, ડૉ. કિશોર પંડ્યા, શ્રી ત્રિલોક સંઘાણી, પ્રો. કે. એન. જોશીપુરા, ડૉ. પારુલ પટેલ, નિશીથ જોશી અને સાહિલ શાહનો સમાવેશ થાય છે.

 આ નિષ્ણાતો પેનલ ચર્ચા અને ઇન્ટરેક્ટિવ સેશન્સનું નેતૃત્વ કરશે, જેઓ વૈજ્ઞાનિક જ્ઞાનને પોતાની સરળ માતૃભાષા સાથે જોડશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણે એવું વાતાવરણ સર્જાવીએ જ્યાં વિદ્યાર્થીઓ ભાષાના અવરોધો વિના તેમની માતૃભાષામાં આત્મવિશ્વાસપૂર્વક વિજ્ઞાનને સમજી શકે અને તેની ચર્ચા કરી શકે.

 આ બે દિવસીય કાર્યક્રમની એક ખાસ વાત એ છે કે Gen Z માટે ગુજરાતી અને અન્ય ભારતીય ભાષાઓમાં સાયન્સ વિડિઓઝ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ બનાવવા માટે “સાયન્સ કોમ્યુનિકેશન લેબ”ની સ્થાપના કરવી, જે પરંપરાગત શૈક્ષણિક સંવાદને આધુનિક ડિજિટલ વાર્તા સાથે જોડશે.

 આ અનોખી પહેલ દ્વારા, ગુજકોસ્ટ દ્વારા યુવાનોને તેમની પોતાની ભાષાઓમાં વૈજ્ઞાનિક વિચારોને આત્મવિશ્વાસપૂર્વક વ્યક્ત કરવાનો, સાંસ્કૃતિક આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવાનો અને જ્ઞાનની પહોંચને લોકશાહી બનાવવા માટે સશક્ત બનાવવાનો પ્રયાસ કરે છે.

 ગુજકોસ્ટ ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે આ અર્થપૂર્ણ સંવાદમાં ભાગ લેવા અને યોગદાન આપવા માટે વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંશોધકો, ફેકલ્ટી મેમ્બર્સ અને વિજ્ઞાન સંચારકોને આમંત્રિત કરે છે.

 " જ્યારે યુવા પેઢી પોતાની માતૃભાષામાં વિજ્ઞાન વ્યક્ત કરે છે, ત્યારે વિજ્ઞાન ખરેખર સૌનું બની જાય છે."

(7:25 PM IST)