News of Friday, 20th February 2026
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભાદરા ખાતે ઊંડ નદીના તટે રાત્રી સભા યોજી ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધ્યો
ગંદકી કરનાર કરતાં સાફ કરનાર હંમેશા મહાન હોય છે: સ્વચ્છતા અને શિક્ષણનો મંત્ર આપતા રાજ્યપાલ: ભાદરાની પુણ્યભૂમિને બાવળમુક્ત કરી વડ-પીપળા જેવા ઘટાદાર વૃક્ષોથી 'આદર્શ ગામ' બનાવવા રાજ્યપાલનું આહ્વાન

જામનગર:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જામનગર જિલ્લાના ભાદરા ગામની મુલાકાત દરમિયાન ઊંડ નદીના કિનારે કુદરતના સાનિધ્યમાં રાત્રી સભા સંબોધી હતી. આ પ્રસંગે તેમણે આધ્યાત્મિકતા, પર્યાવરણ જતન અને સામાજિક જવાબદારીઓ વિશે ગ્રામજનો સાથે હૃદયસ્પર્શી સંવાદ સાધ્યો હતો.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની આ પવિત્ર જન્મભૂમિ પર આવવું એ પરમ સૌભાગ્યની વાત છે. કપિલમુનિના ન્યાયશાસ્ત્ર અને મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના કર્મફળના સિદ્ધાંતોનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું કે, મનુષ્ય દેહ જ્ઞાન મેળવવા તથા કલ્યાણ માટે છે. જે લોકો પોતાના જીવનનો સદઉપયોગ કરી ધર્મ અને પુરુષાર્થ કરે છે, તેમનો આ ભવ અને પરભવ બંને સુધરે છે.
‘સ્વચ્છતા હી સેવા’ પર ભાર મૂકતા રાજ્યપાલએ ખૂબ જ માર્મિક વાત કરી હતી કે, હાથમાં સાવરણી પકડવાથી કોઈનું પદ જતું રહેતું નથી. હકીકતમાં, ગંદકી કરનાર કરતાં સાફ કરનાર વ્યક્તિ હંમેશા મહાન હોય છે. તેમણે ગ્રામજનોને અનુરોધ કર્યો હતો કે, આ એક પવિત્ર યાત્રાધામ હોવાથી ગામને સ્વચ્છ રાખવું એ સૌની નૈતિક જવાબદારી છે. સાથે જ, તેમણે દીકરા અને દીકરી બંનેને ઉચ્ચ શિક્ષણ આપી આગળ વધારવા વાલીઓને પ્રેરણા આપી હતી.
ભાદરા ગામને ખરા અર્થમાં 'આદર્શ ગામ' બનાવવા માટે તેમણે આહ્વાન કર્યું કે ગામને બાવળમુક્ત કરી વડ, પીપળા અને ઉમરા જેવા પક્ષીઓને આશ્રય આપતા વૃક્ષોથી સભર બનાવવું જોઈએ. તેમણે જણાવ્યું કે ઓક્સિજન આપનાર વૃક્ષો ઉછેરવા એ પુણ્યનું કાર્ય છે. જન્મદિવસ કે લગ્ન જેવા શુભ પ્રસંગોએ વૃક્ષારોપણ કરવાની પરંપરા પાડવા તેમણે ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં રાજ્યપાલના અગ્રસચિવ અશોક શર્મા, કલેકટર કેતન ઠક્કર, નાયબ વનસંરક્ષક અરૂણ કુમાર, ઇ.જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી શારદા કાથડ, પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.( સંજય ડાંગર ધ્રોલ )
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
