તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
દાંતા પંથકમાં બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત : ત્રણ આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે જ મોત
આડેરણ ગામ નજીક બે મોટરસાયકલો પૂરપાટ ઝડપે સામસામે અથડાતા જોરદાર ધડાકો થયો : બંને બાઈકોના કુર્ચા બોલી ગયા અને તેના પર સવાર ત્રણ યુવાનો હવામાં ફંગોળાયા

બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલા નવાવાસથી જીતપુરને જોડતા માર્ગ પર આ રક્તરંજિત અકસ્માત સર્જાયો હતો. આડેરણ ગામ નજીક બે મોટરસાયકલો પૂરપાટ ઝડપે સામસામે અથડાતા જોરદાર ધડાકો થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઈકોના કુર્ચા બોલી ગયા હતા અને તેના પર સવાર ત્રણ યુવાનો હવામાં ફંગોળાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે ગંભીર ઈજાઓને કારણે ત્રણેય યુવાનોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.
અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા. રસ્તા પર લોહીલુહાણ હાલતમાં પડેલા યુવાનોને જોઈ માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ દાંતા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે મૃતક યુવકો કોણ હતા અને ક્યા ગામના વતની હતા. અકસ્માત પાછળનું કારણ ઓવરસ્પીડ હતું કે અન્ય કોઈ કારણ, તે અંગે પણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે આડેરણ અને આસપાસના ગામોમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.
(12:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
