તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
સાવધાન! ગુજરાતમાં ફરી વળશે વાદળાઓઃ ૨૪-૨૫ ફેબ્રુઆરીએ માવઠાની આગાહી
પાકિસ્તાન તરફથી સક્રિય થયેલી સિસ્ટમ્સ ગુજરાતમાં પ્રવેશશે; કમોસમી વરસાદ સાથે ડબલ ઋતુનો અનુભવ થશે

અમદાવાદઃગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટા પલટાની શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગ અને આગાહીકારોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન તરફથી એક નવી સિસ્ટમ્સ સક્રિય થઈને ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેના કારણે રાજયના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સિસ્ટમ્સ ૨૪ ફેબ્રુઆરીના રોજ નલિયા અને દયાપર થઈને ગુજરાતમાં પ્રવેશશે. જેના કારણે અમદાવાદ, મહેસાણા, ઈડર, રાધનપુર, સુરેન્દ્રનગર, ગાંધીનગર, વડોદરા અને ભરૂચ સહિતના વિસ્તારોમાં ભારે વાદળો છવાયેલા રહેશે અને ક્યાંક હળવા છાંટા પડવાની પણ શક્યતા છે.
૨૪ તારીખે બપોર બાદ જામનગર, ભાણવડ અને કચ્છના માંડવી, નલિયા વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી ગોંડલ, રાજકોટ અને મોરબી પંથકમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. ત્યારબાદ ૨૫ ફેબ્રુઆરીએ ઓખા અને દ્વારકા નજીક સિસ્ટમ્સ વધુ મજબૂત બનતા જામનગર, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે. હાલ ગુજરાતમાં પવનની દિશા બદલાતા બપોરે ગરમી અને વહેલી સવારે ઠંડી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આજે અને આવતી કાલે બપોરનું તાપમાન ૩૨ થી ૩૬ ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે, જયારે રાત્રિના તાપમાનમાં દ્યટાડો નોંધાશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાલનપુર જેવા વિસ્તારોમાં વહેલી સવારે લદ્યુત્તમ તાપમાન ૧૭ ડિગ્રી સુધી નીચું જઈ શકે છે.
આમ, ફેબ્રુઆરીના અંતમાં ફરી એકવાર કમોસમી વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં પણ ચિંતાની લાગણી જોવા મળી રહી છે.
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
