<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં મોટો ધડાકો: બ્લેકમેલિંગ અને કરોડોની મિલકત પચાવી પાડનાર 'મહિલા મિત્ર' પૂનમની ધરપકડ

૧૬ વર્ષની મિત્રતાનો કરુણ અંત: ઓફિસ રિસેપ્શનિસ્ટમાંથી બનેલી 'પાર્ટનર' પૂનમે માનસિક ત્રાસ આપી તુષારભાઈને મરવા મજબૂર કર્યા હોવાનો ખુલાસો

સુરત:  સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત કેસમાં પોલીસ તપાસમાં ચોંકાવનારા અને રુંવાડા ઉભા કરી દે તેવા રહસ્યો પરથી પડદો ઉચકાયો છે. આ કેસમાં કથિત રીતે સંડોવાયેલી તેમની મહિલા મિત્ર પૂનમની પોલીસે ધરપકડ કરી લીધી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, જે મહિલાને તુષારભાઈએ ૨૦૧૦માં પોતાની ઓફિસમાં એક સામાન્ય રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી આપી હતી, તેણે જ વિશ્વાસઘાત અને બ્લેકમેલિંગની જાળ બિછાવી તેમને રિવોલ્વરથી પોતાની જીવનલીલા સંકેલી લેવા મજબૂર કર્યા હતા.
લગ્ન પ્રસંગમાં હોબાળાની ધમકી અને મોતનો ખેલ
પરિવારના જણાવ્યા મુજબ, તુષારભાઈના ઘરે લગ્નનો રૂડો પ્રસંગ હતો, પરંતુ પૂનમ નામનું આ 'ગ્રહણ' સતત ધમકીઓ આપી રહી હતી કે તે લગ્નમાં આવીને હોબાળો મચાવશે અને પરિવારની આબરૂના લીરેલીરા ઉડાડશે. આ માનસિક દબાણ એટલું હદે વધી ગયું હતું કે ૧લી ફેબ્રુઆરીએ તુષારભાઈએ પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી જાતને ગોળી મારી દીધી હતી અને સારવાર દરમિયાન ૫મી ફેબ્રુઆરીએ તેમનું કરુણ મોત નીપજ્યું હતું.
કરોડોની મિલકત ‘મફત’માં પડાવી લીધી!
પોલીસની આર્થિક તપાસમાં સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે જાણવા મળ્યું કે ઓગસ્ટ ૨૦૨૫માં તુષારભાઈએ તેમની માલિકીની ૧.૦૬ કરોડ રૂપિયાની બે કિંમતી દુકાનો પૂનમના નામે કરી દીધી હતી. નવાઈની વાત એ છે કે, આટલી મોટી મિલકત ટ્રાન્સફર કરવા છતાં તુષારભાઈના બેંક એકાઉન્ટમાં પૂનમ તરફથી એક રૂપિયો પણ જમા થયો ન હતો. પોલીસનું માનવું છે કે પૂનમે બ્લેકમેલિંગ કરીને આ મિલકતો પોતાના નામે કરાવી લીધી હતી.
રિસેપ્શનિસ્ટથી મેનેજિંગ પાર્ટનર સુધીની સફર
વર્ષ ૨૦૧૦માં રિસેપ્શનિસ્ટ તરીકે જોડાયેલી પૂનમ ૨૦૧૨-૧૩માં ફરી તુષારભાઈના સંપર્કમાં આવી હતી. તેણે તુષારભાઈની બિલ્ડિંગમાં સ્કૂલ શરૂ કરી હતી. કોઈ પણ સત્તાવાર રોકાણ વગર તે સ્કૂલના નફામાં મોટો હિસ્સો મેળવતી હતી. છેલ્લા ૬-૭ વર્ષથી તે સતત તુષારભાઈને કોઈને કોઈ રીતે બ્લેકમેલ કરી રહી હોવાના પુરાવા પોલીસને હાથ લાગ્યા છે.
હાલમાં આરોપી પૂનમ પોલીસના સકંજામાં છે અને તેની કડક પૂછપરછ ચાલી રહી છે. મિલકતના દસ્તાવેજો અને બેંક સ્ટેટમેન્ટની તપાસમાં હજુ પણ કેટલાક મોટા માથાઓના નામ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

(8:25 PM IST)