<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

ડાંગના ‘કાળમુખા’ વળાંકે પશ્ચિમ બંગાળના ૩ શ્રમિકોનો ભોગ લીધો: મોબાઈલ ટાવરનું કામ કરવા નીકળેલા મજૂરોની જીપ પલટી, ૪ જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાય છે

મહાલ-બરડીપાડા ઘાટના જોખમી ઉતરાણ પર ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા સર્જાયો કરુણ અકસ્માત; રોજીરોટી માટે હજારો કિલોમીટર દૂર આવેલા પરિવારોના માળા વિખેરાયા, ૪ ગંભીર ઈજાગ્રસ્તોને વલસાડ રિફર કરાયા

આહવા: ગુજરાતના કાશ્મીર ગણાતા અને પ્રકૃતિના ખોળે વસેલા ડાંગ જિલ્લાના જોખમી ડુંગરાળ રસ્તાઓ વધુ એકવાર રક્તરંજિત બન્યા છે. હજારો કિલોમીટર દૂર પશ્ચિમ બંગાળથી પેટીયું રળવા આવેલા નિર્દોષ શ્રમિકો માટે ડાંગના ઘાટની મુસાફરી અંતિમ સાબિત થઈ છે. મહાલથી બરડીપાડા ગામ વચ્ચેના ઉતરાણવાળા જોખમી વળાંક પર શ્રમિકો ભરેલી પીકઅપ જીપ પલટી જતાં ૩ શ્રમિકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય કેટલાક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
મોબાઈલ ટાવરના પ્રોજેક્ટ માટે જઈ રહ્યા હતા શ્રમિકો
મળતી વિગતો અનુસાર, પશ્ચિમ બંગાળના વતની એવા ૧૨ જેટલા શ્રમિકો ડાંગના અંતરિયાળ વિસ્તારોમાં મોબાઈલ ટાવરના કામકાજ અર્થે આવ્યા હતા. ગત રોજ જ્યારે આ શ્રમિકો પોતાની પીકઅપ જીપમાં સવાર થઈને મહાલથી બરડીપાડા તરફ જઈ રહ્યા હતા, ત્યારે કાળમુખા વળાંક પર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. ક્ષણભરમાં જ જીપ રોડ પરથી નીચે ઉતરીને પલટી ખાઈ ગઈ હતી. જીપ પલટી મારતા જ શ્રમિકોની ચીચીયારીઓથી શાંત પહાડો ગુંજી ઉઠ્યા હતા.
૩ ના મોત અને ૪ ની હાલત અત્યંત નાજુક
આ ભયાનક અકસ્માતમાં ૧૨ પૈકી ૩ શ્રમિકોના ઘટનાસ્થળે જ અથવા હોસ્પિટલ પહોંચતા પહેલા કરુણ મોત નીપજ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે શ્રમિકો લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પટકાયા હતા. રાહદારીઓ અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્તો પૈકી ૪ લોકોની હાલત અત્યંત નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે વલસાડની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યાં તેઓ જિંદગી અને મરણ વચ્ચે જંગ લડી રહ્યા છે.
પરિવારોમાં શોકની કાલિમા: પોલીસ તપાસ શરૂ
વતનને છોડીને હજારો કિલોમીટર દૂર મજૂરી કરવા આવેલા યુવાનોના મોતના સમાચાર મળતા જ પશ્ચિમ બંગાળમાં રહેતા તેમના પરિવારોમાં માતમ છવાઈ ગયો છે. ડાંગ પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે કે શું આ અકસ્માત બ્રેક ફેલ થવાને કારણે થયો હતો કે ચાલકની બેદરકારીને લીધે. ડાંગના આહવા સિવિલ હોસ્પિટલમાં પણ અન્ય ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.
ડાંગના આ જોખમી ઘાટ માર્ગો અવારનવાર નિર્દોષ વાહનચાલકો અને મુસાફરો માટે જીવલેણ સાબિત થતા હોય છે, જે ફરી એકવાર આ ઘટના દ્વારા પુરવાર થયું છે.

(9:57 PM IST)