<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

નવસારીમાં માસૂમ બાળકોના કોળિયામાં ઝેર કોણે ભેળવ્યું? મધ્યાહન ભોજનના ચણા ચાટમાંથી મળી ‘કેમિકલ’ની પોટલી, ૨૦૦ વિદ્યાર્થીઓનો બચાવ

ખેરગામની નાધાઈ શાળાના આચાર્યની સતર્કતાએ મોટી દુર્ઘટના ટાળી; વિવાદિત ‘નાયક ફાઉન્ડેશન’ના ભોજનમાં ગંભીર બેદરકારી સામે આવતા વાલીઓમાં ભારે રોષ, સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા

નવસારી: નવસારી જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનામાં ફરી એકવાર ગંભીર બેદરકારીની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ખેરગામ તાલુકાની નાધાઈ પ્રાથમિક શાળામાં શનિવારે બાળકોને પીરસવામાં આવનારા ભોજનમાં શંકાસ્પદ કેમિકલયુક્ત પોટલી મળી આવતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જો શાળાના આચાર્યએ સમયસૂચકતા ન વાપરી હોત તો ૨૦૦ જેટલા નિર્દોષ બાળકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા હોત.
ભોજન પીરસતી વખતે જ ફૂટ્યો ભાંડો
ઘટનાની વિગત એવી છે કે, શનિવારે બપોરે શાળામાં બાળકોને જીરા રાઈસ, સુખડી અને ચણા ચાટ પીરસવાની તૈયારી ચાલી રહી હતી. આ દરમિયાન જ્યારે આચાર્ય ભોજનની તપાસ કરી રહ્યા હતા, ત્યારે ચણા ચાટના તપેલામાંથી કાપડની એક નાની પોટલી મળી આવી હતી. આ પોટલી ખોલતા તેમાંથી અજાણ્યો રાસાયણિક પદાર્થ મળી આવતા તુરંત જ ભોજન વિતરણ અટકાવી દેવામાં આવ્યું હતું. આ ત્વરિત નિર્ણયને કારણે બાળકોના સ્વાસ્થ્ય સાથે થનારી મોટી દુર્ઘટના સહેજમાં ટળી ગઈ હતી.
વિવાદોમાં રહેલું ‘નાયક ફાઉન્ડેશન’ ફરી ઘેરાયું
આ શાળામાં મધ્યાહન ભોજન પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ 'નાયક ફાઉન્ડેશન' પાસે છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, આ એજન્સી અગાઉ પણ નબળી ગુણવત્તાના ભોજન બદલ વિવાદોમાં રહી છે. તેમ છતાં, તંત્ર દ્વારા આ એજન્સી સામે કડક પગલાં ન લેવાતા વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે, શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે?
તંત્ર એક્શન મોડમાં: તપાસનો ધમધમાટ શરૂ
ઘટનાની ગંભીરતાને જોતા મામલતદાર, CRC અને SMC ના સભ્યો તાત્કાલિક શાળાએ દોડી આવ્યા હતા. ફૂડ સેફ્ટી વિભાગની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી ભોજન અને પેલા શંકાસ્પદ પદાર્થના નમૂના લીધા છે. આ નમૂનાઓને તપાસ માટે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. વહીવટી તંત્રએ ખાતરી આપી છે કે જો રિપોર્ટમાં કોઈ ખામી જણાશે તો એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરવા સહિતની કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
બાળકોના પૌષ્ટિક આહાર માટે ચાલતી આ સરકારી યોજનામાં થયેલી આવી ઘોર બેદરકારી સામે હવે કડક દાખલો બેસાડવામાં આવે તેવી માંગ ઉઠી છે.

(9:58 PM IST)