<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

અમદાવાદમાં ભાજપનો શક્તિવર્ધક ‘મહામેળો’: નીતિન નવીન અને ભૂપેન્દ્ર પટેલનો હુંકાર, ‘મારું બૂથ, સૌથી મજબૂત’ના મંત્ર સાથે ચૂંટણી જંગનું રણશિંગું

સત્તા નહીં પણ સેવા એ જ લક્ષ્ય: કાર્યકર્તાઓના પુરુષાર્થથી ગુજરાત બન્યું વિકાસનું વૈશ્વિક મોડેલ

અમદાવાદ: અમદાવાદના જીએમડીસી હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ‘મારું બૂથ, સૌથી મજબૂત’ સંમેલનમાં કેસરીયો માહોલ છવાયો હતો. ભાજપના નવનિયુક્ત અને સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં હજારો કાર્યકર્તાઓએ રાષ્ટ્ર પ્રથમના સંકલ્પ સાથે આગામી ચૂંટણીઓ માટે વિજય શંખનાદ કર્યો હતો.
રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીને કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું કે, ગુજરાતની પવિત્ર ધરા અને અહીંના શ્રમિક કાર્યકર્તાઓના કારણે જ ભાજપનું વટવૃક્ષ આજે સમગ્ર દેશમાં લહેરાઈ રહ્યું છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે, "ગુજરાતે સેમિકન્ડક્ટર અને ડિજિટલ ક્રાંતિ ક્ષેત્રે વિશ્વ સ્તરે પોતાની ઓળખ બનાવી છે." આ સાથે જ તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે વિપક્ષ માટે રાજનીતિ માત્ર એક 'ઇવેન્ટ' છે, જ્યારે ભાજપ માટે તે રાષ્ટ્ર નિર્માણનું અભિયાન છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓમાં જોશ પૂરતા કહ્યું કે, ભાજપ એ પરિવારવાદથી નહીં પણ મજબૂત વિચારધારાથી ચાલતી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "અમારા માટે સત્તા એ અંતિમ સાધ્ય નથી, પરંતુ જનસેવાનું એક સબળ માધ્યમ છે." વડાપ્રધાન મોદીની 'વિકસિત ભારત'ની યાત્રામાં દરેક કાર્યકર્તાને જીવ અને આત્મા બનીને જોડાવવા તેમણે આહવાન કર્યું હતું.
પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસના ભૂતકાળના શાસન અને અત્યાચારોની યાદ અપાવતા કહ્યું કે, ભાજપનો કાર્યકર્તા પૂર હોય કે વાવાઝોડું, હંમેશા જનતાની પડખે ઊભો રહે છે. તેમણે ‘ભારત માતાને પરમ વૈભવ’ પર પહોંચાડવાના લક્ષ્ય સાથે દરેક બૂથ પર કમળ ખીલાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
આ ભવ્ય સંમેલનમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ. સંતોષ, સંગઠન મંત્રી શ્રી રત્નાકરજી, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રેરક શાહ, મેયર પ્રતિભાબેન જૈન સહિત અનેક સાંસદો, ધારાસભ્યો અને વિશાળ સંખ્યામાં પાયાના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

(11:06 PM IST)